રાજકોટમાં કિશાન સંઘની રેલી પહેલાં ખેડૂતોએ પાક વીમાના મુદ્દે ધરણા દીધા છે. સૌરાષ્ટ્રના ખેડૂતો આજે રાજકોટ બહુમાળી ચોક પાસે આવી પહોંચ્યા છે. ખેડૂતોની રેલીને મંજૂર ન મળી હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ખેડૂતોએ વગર પરવાનગીએ રેલી યોજતા પોલીસે અટકાયત કરી હતી અને ખેડૂતોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. રાજકોટમાં ખેડૂતોની અટકાયત થતા માહોલ ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે રેલી શરૂ થાય તે પહેલાં જ બહુમાળી ભવન ચોક પાસે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી. પાક વીમો માંગી રહેલાં ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છા મૃત્યુની અપીલ કરશે. અછતગ્રસ્ત તાલુકાઓને પણ પાક વીમો ન મળ્યો હોવાના કારણે તાતની સ્થિતિ કફોડી બની છે.
પાક વીમાના મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, પોલીસે મંજૂરી ન હોવાથી ખેડૂતોને કોર્ડન કરી લીધા છે. પોલીસની છ ટુકડીઓએ ખેડૂતોની ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે, બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવાનો જ રહ્યો.
ખેડૂતોની રજૂઆત હતી કે કપાસનો વીમો 9 મહિના વીત્યા છતાં પણ મળ્યો ન હોવાથી ખેડૂતોને સમસ્યા છે. રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર જ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરે છે, બીજી બાજુ 0 ટકા વીમો આપે છે, આ ખેડૂત રેલી ન કરે, વિરોધ ન કરે તો શું કરે?
ખેડૂતો પર જો પોલીસ લાઠી ચાર્જ કરશે તો અમે લડી લઈશું ”ખેડૂતોની માંગણી હતી કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હોવા છતાં, તાલુકા અછતગ્રસ્ત થયા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે,અને વીમો નહીં મળે આમ સરકારે કોઈ પણ ભોગે આ વીમો અપવવો જોઈએ.
ખેડૂતોની રેલી વિશે ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ કહ્યું કે ખેડૂતોની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન મોદીએ કરી છે, પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 75 હજાર કરોડ રૂપિયાની યોજના અંતર્ગત વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યાં છે, આવી જ યોજના હેઠળ ખાતર, પાક વીમામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસોથી 2600 કરોડનો પાક વીમો આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતા ચિરાગ કાલરીયાએ જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે, ખેડૂતને કોઈ પ્રક્રિયા ન લાગુ થવી જોઈએ. સરકાર જો નીટ એન્ડ ક્લિન ચીટ હોય તો મંજૂરી કેમ નથી આપવામાં આવી રહ્યો? શા માટે ખેડૂતોને રેલી કાડવાન મંજૂરી નથી આપવામાં આવી રહી?