રાજકોટમાંથી પતિ દ્વારા પત્નીને માર મારવાના સમાચાર સામે આવ્યા છે. તેમાં પત્નીને માર મારવાનું કારણ જાણી તમે આશ્વર્યચકિત થઈ જશો. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામપરા નવાગામમાં પુત્ર પ્રાપ્તિ માટે ચાર દીકરીઓની માતાને પતિ દ્વારા બેફામ માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. માર માર્યા બાદ પતિ પોતાની પત્નીને તેના પિયરના ઘરે ફેંકી ગયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ કોટડાસાંગાણીના રામપરા નવાગામ ખાતે રહેતા મધુબેન રણજીતભાઈ પરમાર ઉમર 35 ને ગઈ રાત્રે પતિએ બેફામ માર માર આપ્યો હતો. આ દરમિયાન સારવાર અર્થે મોટા માંડવા ગામે રહેતા પરણિતાના પિતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલે તેણે દાખલ કરી હતી. તેમની પ્રાથમિક પુછપરછમાં દીકરી મધુના લગ્ન 11 વર્ષે પૂર્વે કર્યા હોવાનું અને સંતાનમાં હાલ ચાર દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
આ સિવાય પહેલા પતિ તું કેમ પુત્રીઓને જ નામ આપે છે તેમ કહી તેને ત્રાસ આપી રહ્યો હતો. જેણે ગઈકાલે તું કેમ દીકરાને જન્મ નથી આપતી તેમ કહી ઝઘડો કરી મારઝૂડ કરી હતી. જ્યારે માર માર્યા બાદ પતિએ ઈજાગ્રસ્ત હાલતમાં મધુને રીક્ષામાં બેસાડી પત્નીને તેના પિયર મોટા માંડવા ગામે લાવી રોડ ઉપર નાખી દીધી હતી. તેવું તેમના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટના અંગે કોટડાસાંગાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આ આક્ષેપો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.