રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી બુધવારે યુવકે કમિશ્નર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમાં યુવકનું મોત નીપજતા આરોપી એવા શરાફી મંડળીના સંચાલક પિતા-પુત્રની જોડી દિનેશ ઉર્ફે મામૂ અને એના પુત્ર ચિરાગની ધરપકડ પોલીસે કરી છે. સમગ્ર ઘટના એ હતી કે રાજકોટના મિલપરા મેઈન રોડ ઉપર ગરબી ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા હેમચંદ ઉર્ફે હરેશ જગદીશભાઈ ખેમાણી નામના 22 વર્ષીય સિંધી યુવાને બપોરે અઢી વાગ્યાના સુમારે પોલીસ કમિશ્નર કચેરીમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ફરજ પરના પોલીસ જવાનોએ સિંધી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતા રાજકોટના પોલીસ સ્ટેશનના પીઆઇ કાતરીયા , પીએસઆઇ રાણા , સંજયભાઈ દવે સહિતનો કાફલો દોડી ગયો હતો.
ઘટના અંગે જગદીશભાઈ ખેમાણીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓને અગાઉ ઘાંચીવાડ પાસે જૂનું મકાન હતું તે વેચ્યું હતું અને તેનાથી મળેલ પૈસા અને બેંકમાંથી 15 લાખની લોન લીધી હતી તેમ છતાં મિલપરામાં નવું મકાન ખરીદવા માટે પૈસા ઘટતા હોવાથી પુત્ર હરેશે આહીર ચોકમાં શ્યામ મંડળી નામે ફાઈનાન્સનો વ્યવસાય કરતા દિનેશભાઇ ડાંગર ઉર્ફે મામા અને તેના પાર્ટનર દિવ્યેશ પાસેથી 10 ટકાના વ્યાજે 11.50 લાખ રૂપિયા લીધા હતા. આ રૂપિયા સગવડ થતા જ ચેક મારફતે ચૂકવી દીધા હતા. પરંતુ છ મહિનાનું વ્યાજ બાકી હોવાથી દિનેશ ઉર્ફે મામા તેનો પુત્ર ચિરાગ અને પાર્ટનર દિવ્યેશ અવાર નવાર ફોન ઉપર અને ઘરે આવીને વ્યાજના 2.80 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હતા. અને ધમકીઓ આપતા હતા અમે એક નહિ સો લોકો આવશું તમે શું કરી શકશો કહી ધમકાવતાં હતા. આ ઘટનામાં પોલીસે બે આરોપી પિતા પુત્ર દિનેશ ઉર્ફે મામૂ અને એના પુત્ર ચિરાગની ધરપકડ કરી છે.