ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો પકડ્યો છે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. અમિત શાહે પાર્ટીના કાર્યકર્તાઓને હૈદરાબાદમાં સંબોધતા આ વાત કહી હતી.
અમિત શાહે કહ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમા જે અડચણો આવી રહી છે તેને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે અને આ બધુ લોકસભાની ચૂંટણી પહેલા થશે.
ભાજપના નેતા પેરાલા શેખર્જીએ ભાજપના તેલંગાણા રાજ્યની પાર્ટી ઓફિશ ખાતે મીડિયાને આ મિંટિગ વિશે વાત જણાવી હતી.
અમિત શાહને ટાંકતા શેખર્જીએ મીડિયાને જણાવ્યુ કે, જે સ્થિતિ નિર્માણ પામી છે તેને જોતા, હું એમ માનુ છુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય 2019ની લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઇ જશે”.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ મિટિંગ દરમિયાન એમ પણ કહ્યુ કે, લોકસભાની ચૂંટણી વહેલી નહી યોજાય.
કાર્યકરોને સંબોધતા અમિત શાહે જણાવ્યુ કે, એવી નીતિ ઘડી કાઢો કે, તેલંગાણામાં ભાજપ સત્તા પર આવે.
ભારતીય જનતા પાર્ટી દેશમાં એક પછી એક રાજ્યમાં સત્તા કબજે કરી રહી છે. પણ ચૂંટણી સમયે વિકાસના મુદ્દાને બાજુ પર રાખી મંદિરના મુદ્દો પકડે છે અને જ્યારે ચૂંટણી પ્રચાર જામે ત્યારે મૂળ વિકાસનો મુદ્દો ક્યાંય છેટો રહી જાય છે.