રાજકોટઃ કેટલાક એવા ગુનેગારો હોય છે જેઓ ગમે તેટલીવાર જેલમાં જાય પરંતુ જેવા બહાર આવે એટલે પહેલું કામ પોતાના એ ગુનાના રસ્તે ચાલવાનું જ કરે. આવો જ કિસ્સો રાજકોટ મુખ્ય જેલમાં આજીવન કારવાસની સજા ભોગવી રહેલા 50 વર્ષીય શિક્ષકે ફરી એ જ પરાક્રમ કર્યું છે જેના માટે તેને જેલ થઈ હતી.
નરાધમ ધવલ ત્રિવેદીને ધો.11માં ભણતી અને રાજકોટ નજીક પડધરી ખાતે હોસ્ટેલમાં રહેતી બે વિદ્યાર્થીનીઓને ભગાડી જવા અને તેમની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ગત 23 માર્ચના રોજ આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી. ત્રીવેદીએ 2010થી પાછલા 8 વર્ષમાં અત્યાર સુધીમાં 8 છોકરીઓને પોતાની જાળમાં ફસાવી છે. હવે આ વખતે ચોટીલા રહેતી કોલેજના બીજા વર્ષની છોકરીને નરાધમ ભગાડી જવામાં સફળ થયો છે.
ચોટિલા રહેતી અને રાજકોટની કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતાની જાળમાં ભોળવી હતી. યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ 11 ઓગસ્ટના રોજ નરાધમ ત્રિવેદી યુવતીને ભગાડી ગયો છે. જ્યારે પેરોલ પર રહેલા ધવલને તેના બીજા જ દિવસે એટલે કે 12 ઓગસ્ટના રોજ જેલમાં ફરીથી હજર થવાનું હતું. તેને 28 જુલાઈના રોજ 15 દિવસના પેરોલ મળ્યા હતા.
જેલમાંથી છૂટતા જ ધવલે પોતાને જેલમાં હત્યાના ગુનામાં મળેલા ચોટિલાના જયદીપ ધાંધલનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેની મદદથી ચોટિલામાં એક જગ્યા ભાડે લઈને તેણે ઇંગ્લિશ કોચિંગ ક્લાસ શરુ કર્યા હતા. જ્યાં તેણે પોતાની ઓળખ ધર્મેન્દ્ર સર તરીકે આપી હતી. તેની સાથે ભાગી જનાર યુવતિ પણ આ જ ક્લાસમાં આવતી હતી.
યુવતિના ગૂમ થયા બાદ પરિવારે 4 દિવસ સુધી તેની શોધખોળ ચલાવી હતી. જે બાદ અંતે પોલીસમાં 15મી ઓગસ્ટના દિવસે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પોતાની રીતે તપાસ કરતા ટ્યુશન ક્લાસ નજીકના CCTV ફૂટેજ સ્કેન કરવામાં આવતા ખબર પડી કે ધર્મેન્દ્ર સર ખરેખરમાં ધવલ ત્રિવેદની નામનો રીઢો ગુનેગાર છે.
ચોટિલા પહોંચીને ધવલે સૌથી પહેલા ધાંધલનો સંપર્ક સાધી ઇંગ્લિશ સ્પિકિંગના ટ્યુશન ક્લાસ શરુ કર્યા અને દોવા કર્યો કે તેના ટ્યુશનમાં 3 મહિના પૂરા ભણવાથી તમામને નોકરી મળી જશે. દરરોજના એક કલાકના ક્લાસમાં પીડિતાની સાથે અન્ય 9 છોકરી પણ આવતી હતી. જે પૈકી પીડિતાને ત્રિવેદીએ દરરોજ એક કલાક વહેલી બોલાવવાનું શરુ કરી દીધું અને પછી તેને પોતાની જાળમાં ફસાવી ભગાડી જવામાં સફળતા મેળવી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ત્રિવેદીનો મોબાઈલ છેલ્લે અમદાવાદમાં ચાલુ હોવાનો જાણવા મળ્યું હતું. જેમાંથી તેણે ભાવનગર ખાતે રહેતા અને જેલમાં મળેલા ગૌરી શંકરને ફોન કરીને રુ.10000 અમદાવાદ આંગડીયામાં મંગાવ્યા હતા અને ત્યારબાદ પોતાનો ફોન સ્વિચઓફ કરી દીધો હતો. પોલીસ માની રહી છે કે તેણે નવો ફોન અને નવો નંબર લઈને જુનો ફોન નાખી દીધો છે. જ્યારે યુવતીને લઈને ગુજરાતની બહાર ભાગી ગયો છે. આ પહેલા પણ ધો. 11ની બંને બાળકીઓને લઈને નરાધમ જુદી જુદી જગ્યાએ ફર્યો હતો અને બે વર્ષની રઝળપાટના અંતે પંજાબથી તેને પકડી પાડવામા સફળતા મળી હતી.