ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એડિલેડમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે તેને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ વૈશ્વિક ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગઈ હતી. તે નિશ્ચિત છે કે કેટલાક ખેલાડીઓ ચોક્કસપણે હિટ થશે અને એક સિનિયર ઓફ-સ્પિનર પણ આમાં સામેલ છે. ખરેખરમાં સેમિફાઇનલમાં હાર બાદ ભારતની બોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો કોઈ બોલર સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.
‘ભારતીય ટીમ લડી જ નહી’
એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી સેમી ફાઈનલ મેચમાં એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ જરા પણ લડી નથી. કેટલાક દિગ્ગજોએ તો ટીમ ઈન્ડિયા પર સવાલો પણ ઉઠાવ્યા છે, ખેલાડીઓની ટીકા થઈ રહી છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. હાર્દિકે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા જ્યારે વિરાટે 40 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી ઈંગ્લેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 16 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન જોસ બટલર 80 અને એલેક્સ હેલ્સ 86 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.
બીસીસીઆઈના અધિકારીએ પુષ્ટિ કરી છે
આગામી 24 મહિનામાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થશે. આવી સ્થિતિમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સહિત કેટલાક સિનિયર ખેલાડીઓને આ ફોર્મેટમાંથી બહાર કરવામાં આવશે. પીટીઆઈએ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, અશ્વિને ટી-20 ફોર્મેટમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી છે. આગામી ટી-20 વર્લ્ડકપને હજુ બે વર્ષ બાકી છે. જો આ બાબતની જાણકારી ધરાવતા લોકોની વાત માનીએ તો હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં નવી ટીમ તૈયાર થશે કારણ કે તે લાંબા સમયથી કેપ્ટનશિપનો દાવેદાર છે.
હવે વન-ડે અને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાશે
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, બીસીસીઆઈ ક્યારેય કોઈ ક્રિકેટરને નિવૃત્તિ લેવાનું કહેતું નથી. આ એક વ્યક્તિગત નિર્ણય હોય છે પરંતુ હા 2023માં મર્યાદિત સંખ્યામાં ટી-20 મેચોને ધ્યાનમાં રાખીને મોટાભાગના સિનિયર્સ વન-ડે અને ટેસ્ટ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અશ્વિનની કારકિર્દી શાનદાર
36 વર્ષીય અશ્વિને અત્યાર સુધીમાં 86 ટેસ્ટ, 113 વન-ડે અને 65 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 442, વનડેમાં 151 અને ટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 72 વિકેટ છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 684 વિકેટ લીધી છે.