દેશમાં મંદીઃ બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં ૭.૫ ટકાનું ગાબડું

જુલાઈ-સપ્ટેમ્બરના ગાળાનો ઘટાડો એપ્રિલ-જૂનના વિક્રમી ૨૩.૯ ના ઘટાડાની સરખામણીએ ખુબ ઓછો છે.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

એપ્રિલ-જુનના ગાળામાં ૨૩.૯ ટકાના રેકોર્ડ ઘટાડા બાદ પણ દેશનું અર્થતંત્ર જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં પણ ૭.૫ ટકા જેટલું ઘટ્યું છે. ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં જીડીપીનો દર ૪.૪ વધ્યો હતો. કોરોનાને કારણે સતત બીજા ક્વાર્ટરમાં પણ દેશના જીડીપીમાં ઘટાડો ચાલુ રહેતા સત્તાવાર રીતે દેશનું અર્થતંત્ર મંદીમાં સપડાયું છે તેમ કહી શકાય. આજે કેન્દ્ર સરકારની નેશનલ સ્ટેટસ્ટિક્સ ઓફિસ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

બીજા ક્વાર્ટરમાં પણ સતત જીડીપી ભલે ઘટ્યો હોય, પરંતુ આ ઘટાડો ઓછો હોવાથી ત્રીજા ક્વાર્ટરથી દેશનું અર્થતંત્ર પાટે ચઢે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં મોટાપાયે થયેલી ખરીદી અને ડિમાન્ડમાં વધારાની ઝલક તેમાં જોવા મળી શકે છે. આર્થિક બાબતોના એક્સપર્ટ્‌સ આ આંકડાને પ્રોત્સાહજનક પણ ગણાવી રહ્યા છે.

૨૦૧૧-૧૨ને પાયાનું વર્ષ ગણીએ તો તેના ભાવોની સરખામણીએ જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યૂ એડિશન ૩૦.૪૯ લાખ કરોડ રુપિયા રહ્યું છે, જે ગયા વર્ષના આ જ ગાળામાં ૩૨.૭૮ લાખ કરોડ રુપિયા હતું. આમ, આ વર્ષના બીજા ક્વાર્ટરમાં તેમાં ૭ ટકા જેટલો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મેના ગાળામાં દેશમાં લોકડાઉનને કારણે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ હોવાથી તે ગાળાના જીડીપીમાં ૨૩.૯ ટકા જેટલું જંગી ગાબડું પડ્યું હતું.

જીડીપીના આંકડાની વાત કરીએ તો, ૨૦૨૦-૨૧ના પહેલા ક્વાર્ટરમાં તેનો આંકડો ૮૫.૩ લાખ કરોડ હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં ૯૮.૩૯ લાખ કરોડ હતો. આમ, પહેલા ક્વાર્ટરમાં દેશની જીડીપીમાં ૧૩.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ગયા વર્ષના સમાનગાળામાં તેમાં ૭ ટકાની વૃદ્ધિ થઈ હતી.

સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશની નાણાંકીય ખાધ ૯.૫૩ લાખ કરોડ રુપિયા પર પહોંચી છે. બજેટમાં તેને ૭.૯૬ કરોડ રાખવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, પરંતુ તે ટાર્ગેટથી ૧૧૯.૭ ટકા વધી ગઈ છે. જીડીપી ઘટ્યો છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ જીવીએ (ગ્રોસ વેલ્યૂ એડિશન) ૦.૬ ટકા વધ્યું છે, અને એપ્રિલ-જુનના ક્વાર્ટરની સરખામણીએ તેમાં થયેલો વધારો ૩૯ ટકા જેટલો ઉંચો છે. વીજળી ક્ષેત્ર પણ ૪.૪ ટકા અને ખેતીક્ષેત્ર પણ ૩ ટકાના દરે વધ્યા છે. જોકે, ખાનગી વપરાશમાં ૧૧.૫ ટકાનો ઘટાડો થયો છે, જે દર્શાવે છે કે પ્રાઈવેટ ડિમાન્ડને સામાન્ય થતાં હજુ સમય લાગશે.

ઓક્ટોબરમાં ૮ ચાવીરુપ ક્ષેત્રોનું આઉટપુટ સપ્ટેમ્બરની સરખામણીએ -૨.૫ ટકા ઘટ્યું, ઓક્ટોબર ૨૦૧૯ની સરખામણીએ -૫.૫ ટકા ઘટ્યું, કોલસાઃ ૧૧.૬ ટકા, ક્રુડઃ ૬.૨ ટકા, કુદરતી ગેસઃ ૮.૬ ટકા, રિફાઈનરી પ્રોડક્ટ્‌સઃ ૧૭.૦ ટકા, ફર્ટિલાઈઝરઃ ૬.૩ ટકા, સ્ટીલઃ ૨.૭ ટકા, સીમેન્ટઃ ૨.૮ ટકા,વીજળીઃ ૧૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

દેશમાં કન્સ્ટ્રક્શન જીવીએ ૮ ટકાથી પણ વધુના દરે ઘટ્યો છે. ટ્રેડ અને હોટેલ્સ પણ ૧૫ ટકા જેટલા ઘટ્યા છે. આરબીઆઈના ગવર્નરે અર્થતંત્ર ઝડપથી પાટે ચઢી જશે તેવા આશાવાદ સામે ચેતવણી આપતા જણાવ્યું હતું કે પહેલા માગમાં સ્થિરતા આવવી તેના માટે આવશ્યક છે. હાલ ચાલી રહેલા ક્વાર્ટરમાં આર્થિક ગતિવિધિઓમાં આવેલા સુધારા સામે તેમણે તાજેતરમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને લાલબત્તી સમાન ગણાવ્યો હતો.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here