દસમાના છાત્રોને ગણિત અને વિજ્ઞાનમાંથી મુક્તિની ભલામણ

  • નવી નીતિના અમલ માટેની ટાસ્ક ફોર્સે સરકારને ભલામણો મોકલી
  • દસમાના છાત્રોને ગણિત અને વિજ્ઞાનમાંથી મુક્તિની ભલામણ
  • સાયન્સમાં જવા ન માગતા છાત્રો માટે દૈનિક જીવનમાં ઉપયોગી અંકગણિત અને માનવ વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ કરવાની વિચારણા

રાજ્યમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય ભણવામાંથી મુક્તિ મળી શકે છે. નવી શિક્ષણ નીતિના અમલ માટે બનાવેલી ટાસ્ક ફોર્સે સરકાર સમક્ષ પોતાની ભલામણો મોકલી છે. જેમાં ધોરણ 10 બાદ જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા નથી માગતા તેમના માટે ગણિત અને વિજ્ઞાનના બદલે દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવા અંકગણિત અને માનવજીવન વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ કરવા ભલામણ કરવામાં આવી છે.

ઉપરાંત હાલમાં 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને ધોરણ 1માં પ્રવેશ આપી દેવાય છે. પરંતુ હવે 5 વર્ષની ઉંમર થયા બાદ બાળકને બાલવાટીકામાં પ્રવેશ અપાશે. આ માટે પ્રાથમિક શાળાના પરિસરમાં જ બાલવાટીકાની રચના કરવામાં આવશે. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે રાજ્યકક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની તાજેતરમાં મીટિંગ મળી હતી. મીટિંગમાં રાજ્યકક્ષાએ લેવાનારા નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચાના અંતે શૈક્ષણિક વર્ષ 2021-22થી અમલીકરણના નિર્ણયો અંગે ટાસ્ક ફોર્સનો એકસૂર જોવા મળ્યો હતો. જેમાં હાલ 10 2ના શિક્ષણ માળખામાં પરિવર્તન લાવીને નવી 5 3 3 4ના શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ પ્રથમ 5 વર્ષમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ અને ધોરણ 1-2નો સમાવેશ થાય છે. જ્યારે ત્યારબાદના ત્રણ વર્ષ ધોરણ 3થી5ના ત્યાર પછી ધોરણ 6થી8ના ત્રણ વર્ષ અને છેલ્લે ધોરણ 9થી12ના ચાર વર્ષનો સમાવેશ થાય છે.

પ્રથમ પાંચ વર્ષમાં બે વર્ષ આંગણવાડી-પૂર્વ પ્રાથમિકના રહેશે. ત્યારબાદનું એક વર્ષ એટલે કે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે બાલવાટીકામાં અભ્યાસ કરશે અને તે પછી 2 વર્ષ ધોરણ 1 અને 2માં ભણશે. આમ, બાળક 6 વર્ષનું થશે ત્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવશે. બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જ જે-તે શાળાના પરિસરમાં થવી જોઈએ તેવી ભલામણ પણ કરાઈ છે.

બાલવાટીકાના બાળકોને ધોરણ 1 અને 2ની જેમ પ્રજ્ઞા અભિગમ દ્વારા પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. રાજ્યમાં હાલ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. પરંતુ ધોરણ 10ના અંતે આ અભ્યાસક્રમ પૂરો થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ સિવાય સામાન્ય પ્રવાહ તેમજ વ્યવસાયલક્ષી પ્રવાહ તરફ વળે છે.

આ વિદ્યાર્થીઓ માટે ગણિત તેમજ વિજ્ઞાન આગળના અભ્યાસ માટે ખાસ ઉપયોગી થતું નથી. આથી વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય કોર્સમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ ગણિત અને વિજ્ઞાનના વિકલ્પમાં દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેના અંકગણિત તેમજ માનવજીવન વિજ્ઞાન જેવા વિષયો ઉમેરવામાં આવે તેવી ભલામણ કરાઈ છે.

રાજ્યમાં ધોરણ 1માં હાલ ભાષા તરીકે ગુજરાતી અને ગણિત ભણાવવામાં આવે છે. જો કે, ત્રિભાષા સૂત્રના અમલીકરણ અન્વયે ધોરણ 1માં ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી વિષયની શરૂઆત કરવામાં આવશે. ધોરણ 1થી3 દરમિયાન શીખવાતી અંગ્રેજી ભાષા જે તે ધોરણની પરીક્ષાનો ભાગ નહીં હોય. ધોરણ 4થી અન્ય વિષયોની સાથે અંગ્રેજીની પરીક્ષા પણ લેવામાં આવશે.

ધોરણ 3, 5 અને 8ના અંતે બાળકો માટે ધોરણ 10 અને 12ની જેમ પરીક્ષાનું આયોજન રાજ્યકક્ષાએ કરવાનું રહેશે. આ અન્વયે ધોરણ 3, 5 અને 8ના અંતે પરીક્ષા લેવાની જવાબદારી જીસીઈઆરટી તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંકલનમાં રાજ્ય પરીક્ષા બોર્ડને આપવામાં આવે તેવી પણ રજૂઆત થઈ છે.

શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈ પ્રમાણે 60 કરતાં ઓછી સંખ્યા હોય અને ધોરણ 1થી5ની સ્કૂલ હોય તેને 1 કિ.મીની ત્રિજ્યામાં આવેલી વધુ સંખ્યાવાળી ધોરણ 1થી5ની સ્કૂલમાં મર્જ કરવી. ધોરણ 6થી8 ચાલતું હોય અને 45ની સંખ્યા હોય તેમજ 3 કિ.મીની ત્રિજ્યામાં વધુ સંખ્યાવાળી સ્કૂલ હોય તેમાં મર્જ કરવી. મર્જર વખતે ધ્યાન રાખવું કે હાઈવે પસાર થતો હોય અથવા નદી હોય તો શાળા મર્જ કરી શકાશે નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top