કર્ણાટકમાં હિજાબને લઈને થયેલા વિવાદ પર મલાલા યુસુફઝાઈએ કહ્યું…

કર્ણાટકમાં મુસ્લિમ યુવતીઓના હિજાબને લઈને શરૂ થયેલો વિવાદ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો હતો. મુસ્લિમ છોકરીઓનો આરોપ છે કે તેમને હિજાબ પહેરીને કોલેજ કેમ્પસ અને ક્લાસમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા. કન્યા કેળવણીની હિમાયત કરનાર નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ હવે આ મામલાને લઈને કહ્યું છે કે ‘છોકરીઓને તેમના હિજાબ પહેરીને શાળાએ જતી અટકાવવી એ ડરાવનારું છે.’

કેવી રીતે શરૂ થયો હિજાબનો વિવાદ?
હિજાબને લગતો વિવાદ ગયા મહિને શરૂ થયો હતો જ્યારે કર્ણાટકના ઉડુપીમાં સરકારી ગર્લ્સ પીયુ કોલેજની છ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે હિજાબ પહેરવાનો આગ્રહ કરવા બદલ તેમને ક્લાસમાં જવાથી રોકવામાં આવ્યા હતા. ઉડુપી અને ચિકમગલુરમાં જમણેરી જૂથોએ હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો.

હવે આ મુદ્દો ઉઠાવતા, મલાલા યુસુફઝાઈએ ટ્વીટ કર્યું, ‘છોકરીઓને તેમના હિજાબ પહેરીને શાળાએ જતી અટકાવવી તે ભયાનક છે. મહિલાઓને વધુ કે ઓછું પહેરવા સામે વાંધો હજુ પણ ચાલુ છે. ભારતના નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં જવાથી રોકવા માટે આગળ આવવું જોઈએ.’

હિજાબ વિવાદના પડઘા મધ્યપ્રદેશ અને પુડુચેરીમાં પણ
વિદ્યાર્થિનીના હિજાબ પહેરવાથી સંબંધિત વિવાદ કર્ણાટક રાજ્યની સરહદ વટાવીને હવે ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને પુડુચેરી સુધી પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સરકારના શાળા શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારે કહ્યું કે હિજાબ પહેરવેશનો ભાગ નથી, તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. દરમિયાન, પુડુચેરીમાં સત્તાધારીઓએ આર્યનકુપ્પમમાં એક સરકારી શાળાના મુખ્ય શિક્ષકને વર્ગખંડમાં હેડસ્કાર્ફ સામે વાંધો ઉઠાવનાર શિક્ષક સામેના આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.

કર્ણાટકમાં શાળા-કોલેજ 3 દિવસ માટે બંધ
હિજાબ વિવાદને કારણે કર્ણાટકમાં તમામ શાળા અને કોલેજો ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજ્યના સીએમ બસવરાજ બોમાઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. સીએમએ ટ્વીટ કર્યું કે તેમણે શાંતિ અને સંવાદિતા જાળવવા માટે તમામ હાઈસ્કૂલ અને કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

કર્ણાટક હાઈકોર્ટે શાંતિ જાળવવા અપીલ કરી
કર્ણાટક હાઈકોર્ટે રાજ્યના વિવિધ ભાગોમાં વધી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી છે. ઉડુપીની સરકારી પ્રી-યુનિવર્સિટી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે હવે તેની વધુ સુનાવણી બુધવારે કરવામાં આવશે. અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે કે કોલેજ પરિસરમાં હિજાબ પહેરવા સહિત ઇસ્લામિક રિવાજ હેઠળ જરૂરી ધાર્મિક પ્રથાઓનું પાલન કરવું એ તેમનો મૂળભૂત અધિકાર છે.

Scroll to Top