નવી નોકરીમાં લગભગ 16 લાખના પગાર વધારા વિશે જણાવવા માટે એક મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ કારણે તેને નવી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જૂનમાં લેક્સી લાર્સને ટિકટોક પર એક વીડિયો શેર કર્યો હતો. તેમા તેણે જણાવ્યું હતું કે માર્કેટિંગ એજન્સીમાં તેનો પગાર લગભગ 56 લાખ છે. તેને ટેક ઈન્ડસ્ટ્રીમાં નવી નોકરી મળી છે, જ્યાં તેને વાર્ષિક લગભગ 72 લાખ રૂપિયા મળશે.
વીડિયોમાં લેક્સીએ અમેરિકાના ડેનવરમાં રહેતા તેની ખર્ચ કરવાની આદતો વિશે વાત કરી અને કહ્યું કે તેને નવી નોકરી કેવી રીતે મળી. પરંતુ લેક્સીએ કહ્યું કે જ્યારે કંપનીને તેનું ટિકટોક એકાઉન્ટ મળ્યું તો તેણે વીડિયો ડિલીટ કરવાનું શરૂ કર્યું. જેથી તે બોસના ગુસ્સાથી બચી શકે.
યૂએસએ ટુડેના એક અહેવાલ મુજબ, લેક્સીને ખબર હતી કે નેશનલ લેબર રિલેશન એક્ટ હેઠળ તેને પગાર અંગે ચર્ચા કરવાનો અધિકાર છે. આમ છતાં તેણે વીડિયો ડિલીટ કરી દીધો. અંતે સુપરવાઈઝરે / તેની સાથે તેના ટીક ટોક એકાઉન્ટ વિશે વાત કરી. લેક્સીએ એક વીડિયોમાં જણાવ્યું કે કંપનીને સોશિયલ મીડિયા પર તેના પગાર વિશે ચર્ચા કરવી બિલકુલ પસંદ નથી. જ્યારે તેણે કંપનીને પૂછ્યું કે શું તેનો વીડિયો કોઈ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેના વરિષ્ઠે તેનો ઇનકાર કર્યો હતો પરંતુ કંપનીને કહેવામાં આવ્યું હતું કે તેઓ આવું જોખમ લેવા માંગતા નથી.
લેક્સીએ વીડિયોમાં કહ્યું- ટિકટોકના કારણે મારી નોકરી ગઈ. તેણે જણાવ્યું કે તેને નોકરી પર લીધાના બે અઠવાડિયા પછી જ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી છે. લેક્સીએ કહ્યું કે કંપનીએ તેની પાછળનું કારણ સુરક્ષાની ચિંતાઓને ટાંક્યું છે.
યુએસએ ટુડેએ નોકરીદાતાઓ માટેની સોશિયલ મીડિયા મોનિટરિંગ નીતિ અંગે કાયદાકીય પેઢી જોસેફ એન્ડ નોરિન્સબર્ગ એલએલસીના ભાગીદાર, બેનિતા જોસેફ સાથે વાત કરી. તેમણે કહ્યું- કંપની ખાસ ધ્યાન રાખે છે કે તમે કોઈ ભેદભાવપૂર્ણ નિવેદનો ન કરો, વેપારના રહસ્યો જાહેર ન કરો, હિંસાની ધમકી ન આપો અને કોઈ ગેરકાયદેસર કાર્ય ન કરો. જો કંપની તમને આમાંથી કોઈ પણ કામ કરતા જુએ છે, તો તેના આધારે તમે તમારી નોકરી ગુમાવી શકો છો.
વીડિયોના કારણે લેક્સીના ટીકટોક ફોલોઅર્સમાં ઘણો વધારો થયો છે. હવે લગભગ 33 હજાર લોકો તેને ફોલો કરે છે. તેણે વીડિયોના અંતમાં કહ્યું કે તેને નોકરીમાંથી કાઢી મૂકવાની માહિતી મળ્યા બાદ તેણે તેના જૂના મેનેજરને ફોન કર્યો હતો અને તેણે લેક્સીને એકાઉન્ટ મેનેજરની નોકરી પર પુનઃસ્થાપિત કરી. લેક્સીનો આ વીડિયો 10 લાખથી વધુ લોકોએ જોયો છે.