દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) માં પણ રાશન કાર્ડ સંબંધિત (Ration Card Services) સેવાઓ પણ ઉપલબ્ધ થશે. આ સેન્ટરો પર રેશનકાર્ડ સંબંધિત દરેક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. આ સેવાઓમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી, વિગતો અપડેટ કરવી અને તેને આધાર સાથે લિંક કરવાનો સમાવેશ થાય છે.
આ પગલાથી સમગ્ર દેશમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળ કાર્યરત ખાસ એકમ સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું છે.
CSC માં રેશનકાર્ડ ધારકોને કઈ સેવાઓ ઉપલબ્ધ થશે
અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનની સપ્લાય (Ration Supply) ને સરળ બનાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને મજબૂત બનાવવાનો આ કરારનો હેતુ છે. દેશમાં 3.7 લાખ CSC મારફતે રેશનકાર્ડ સેવાઓ માટે અન્ન અને જાહેર વિતરણ વિભાગ અને CSC એ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી સાથે, દેશભરમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકો નજીકની CSC ની મુલાકાત લઈને તેમની વિગતો સરળતાથી અપડેટ કરી શકશે. જયારે, લોકો કાર્ડની ડુપ્લિકેટ કોપી મેળવી શકશે, કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે, રાશનની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવી શકશે અને ફરિયાદ નોંધવામાં સરળતા રહેશે.
નવા રેશન કાર્ડ માટે પણ સીએસસીમાં કરી શકો છો અરજી
હાલના રેશનકાર્ડ ધારકો નજીકના CSC ની મુલાકાત લઈને નવા રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગીએ જણાવ્યું હતું કે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે અમારી ભાગીદારી પછી, અમારા ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (VLEs) સંચાલિત CSCs એવા લોકો સુધી પહોંચી શકશે જેમની પાસે રેશનકાર્ડ નથી.
તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અને મફત રાશનની વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે તેમને મદદ કરશે. જણાવી દઈએ કે 1 જૂન, 2020 થી દેશમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા ‘વન નેશન-વન રેશન કાર્ડ’ (One Nation One Ration Card) શરૂ થઈ ગઈ છે. આ યોજનામાં તમે કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે ગમે ત્યાં ખાદ્ય સામાનની ચિંતા કરવાની જરૂર નથી.