સુરતઃ ઓલપાડના એક ગામમાં એક ગર્ભશ્રીમંત ખેડૂતની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ખેડૂતની લાશ એક ખેતરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક 100 વિઘા જમીનનો માલિક હતો. અને મોટાભાઈ પરિવાર સાથે અમેરિકામાં રહે છે.
શેરડીના ખેતરમાંથી મળી લાશ
ઓલપાડના કુડસદ ગામમાં વિપુલ મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. અને 100 વિઘા જમીનનો માલિક હતો. પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. ખેતર પર ગયેલા પિતા મોડી રાત્રી સુધી ઘરે ન પહોંચતા પુત્ર પિતાને શોધવા નીકળ્યો હતો. દરમિયાન ખેતરની નજીકમાં વિપુલભાઈની મોપેડ (GJ-05-MN-0248) મળી આવી હતી. અને નજીકમાં જ શેરડીના ખેતરમાં વિપુલભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેના શરીર પરથી હાથનું સોનાનું બ્રેસલેટ, 5 વીટી, ગળામાંથી રુદ્રાક્ષની માળા ગાયબ હતી.
લૂંટ માટે હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ
પિતાને મૃત હાલતમાં જોઈ પુત્રએ પોલીસને જાણ કરી હતી. કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા લૂંટારૂઓએ લૂંટ માટે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ લૂંટ વિશ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટ પર 9 ઘા માર્યા
પોલીસે વિપુલભાઈના મૃતદેહને નજીકમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે. વિપુલભાઈને પેટ, માથા, પીઠ અને ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે પેટ પર 9 જેટલા ઘા મળી આવ્યા હતા