દિલ્હીના IGI સ્ટેડિયમની બહાર આજે સવારના થયેલા એક ભયંકર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. રીંગરોડ પર ટ્રક પર ભરેલ કન્ટેનર ઓટો પર પડ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઓટો ફંગોળાઈ ગઈ અને ઓટોમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્યા હતા.
કન્ટેનરનું વજન લગભગ 35 ટન હતું અને તે ચોખાથી ભરેલુ હતું. આ અકસ્માત આજે સવારે 6.30 વાગ્યાની આજુબાજુ થયો હતો. આ ટ્રક ચોખાથી ભરેલો કન્ટેનર ભરીને સોનીપતથી તુગલકાબાદ ડેપો જઈ રહ્યો હતો. આ અકસ્માત તે સમયે થયો જ્યારે ઓટો અને ટ્રક બંને ISBT બાજુથી આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકે ઓટોને ટક્કર મારી દીધી હતી. આ દરમિયાન ટ્રક પર ભરેલુ લગભગ 35 ટન વજનનું કન્ટેનર ઓટો પર પડી ગયું હતું.
આ કારણોસર અકસ્માતમાં ઓટો કન્ટેનરની નીચે આવી ગઈ હતી. તેની સાથે ઓટોમાં સવાર ચાર લોકો પણ કન્ટેનરની નીચે આવી ગયા હતા. પોલીસને કન્ટેનર હટાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોટી ક્રેનની મદદથી કન્ટેનરને હટાવવામાં આવ્યું હતું અને બાદમાં મૃતદેહોને ઓટોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોમાં ઓટો ડ્રાઈવર સુરેન્દ્ર કુમાર યાદવનો સમાવેશ થાય છે, જે શાસ્ત્રી પાર્કના રહેવાસી હતા. જ્યારે ઓટોમાં સુરેન્દ્રનો ભત્રીજો જયકિશોર પણ સવાર હતો. આ સિવાય 2 અન્ય લોકો પણ ઓટોમાં સવાર હતા, જેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અકસ્માત બાદ ટ્રકના ચાલક અને હેલ્પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા તેની શોધ કરવામાં આવી રહી છે.