સુરત શહેરના સિંગણપોર આંબાતલાવડી ખાતેના રવિપાર્ક પાસેથી બપોરના બે વાગ્યાની આસપાસ 66 વર્ષીય કારખાનેદારને એક બાઈક પર આવેલા ત્રણ જણાએ આંતરીને બાઈકના આગળના ભાગે ભેરવેલી બેગ જેમાં રોકડા રૂપિયા 8.50 લાખ હતા તે ઝુટવીને ભાગી ગયા હતા. વૃદ્ધે પ્રતિકાર કરીને બાઈક સવારોનો પીછો પણ કર્યો હતો. પરંતુ આ ચોર ટોળકી ક્યાં દેખાઈ પણ ન હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવ મામલે જાણવા મળતી વિગતો મુંજબ સુરત શહેરના કતારગામ આંબાતલાવડી ખાતે આવેલા ગજાનંદપાર્કમાં 36 નંબરમાં રહેતા 66 વર્ષીય કરમશી કાનજીભાઈ નારોલા અમરોલીમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે.
હોળીનો તહેવાર આવતો હોય તેને લઈ કારીગરોને પગાર કરવાનો હોય જેથી તેઓ બપોરના સમયે કરમશી નારોલા બાઈક લઈને પહેલા કતારગામ જી.આઈ.ડી.સીમાં આવેલા સુટેક્ષ બેંકમાં ગયા હતા. ત્યાંથી તેઓએ રૂપિયા ત્રણ લાખ ઉપાડ્યા હતા. અને બાદમાં કતારગામ આશ્રમ પાસેની એચ.ડી.એફ.સી બેંકમાં આવ્યા હતા. અને ત્યાંથી બીજા 6.50 લાખ ઉપાડ્યા હતા. જેમાથી એક લાખ અલગ મુક્યા હતા. અને બાકીના મળીને કુલ રૂપિયા 8.50 લાખ એક બેગમાં ભરીને તેને બાઈક પર આગળના ભાગે લટકાવીને પોતાના ઘર તરફ જવા માટે નિકળ્યા હતા.
શહેરના કતારગામ વિસ્તારમાં બપોરના બે વાગ્યાના સુમારે કરમશી નારોલા કતારગામ આંબાતલાવડી રિવાપાર્ક સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક બાઈક પર આવેલા ત્રણ જણાએ કરમશી નરોલાની નજીક આવીને રૂપિયા ભરેલી બેગ બળજબરીથી આંચકી લીધી હતી. અને ત્યાંથી ભાગ્યા હતા. કરમશી નારોલાએ પ્રતિકાર પણ કર્યો હતો. અને થોડે દુર સુધી પીછો પણ કર્યો હતો. પરંતુ નંબર વગરની બાઈક પર આવેલા ત્રણેય જણા નાસી ગયા હતા.
આ બનાવની જાણ સિંગણપોર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને ઘટના જ્યાં બની હતી. ત્યાંથી સીસીટીવી મેળવી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી હતી. હવે આગામી સમયમાં ખબર પડશે કે આ ચોર ટોળકી પોલીસની પકડમાં આવશે કે કેમ તે જોવું રહ્યું.