ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3500 રન બનાવવાની સિદ્ધિ જમણા હાથના બેટ્સમેન રોહિતના નામે નોંધાયેલી છે. તેણે બુધવારે હોંગકોંગ સામે એશિયા કપ 2022ની ચોથી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. રોહિત ટી20 ઈન્ટરનેશનલ મેન્સ ક્રિકેટમાં પોતાની ઈનિંગ દરમિયાન રન બનાવતાની સાથે જ 3500 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ભારતીય કેપ્ટને 32.11ની એવરેજથી આ રન બનાવ્યા છે. તેના પહેલા મહિલા ક્રિકેટમાં આ સિદ્ધિ ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સે કરી છે.
રોહિતે હોંગકોંગ સામે 21 રનની ઇનિંગ રમી હતી. તેણે 13 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આયુષ શુક્લાએ ભારતીય કેપ્ટનને એજાઝ ખાનના હાથે કેચ કરાવ્યો હતો.
જો રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન 12ને બદલે 13 રન બનાવ્યા હોત તો પાકિસ્તાન વિરૂદ્ધ આ સિદ્ધિ મેળવી શકત. પરંતુ તે પાકિસ્તાન સામે એક રનથી આ સિદ્ધિ મેળવવાથી ચૂકી ગયો હતો.એશિયા કપ 2022ની બીજી મેચ રવિવારે દુબઈના મેદાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત બેટ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં રોહિત પછી બીજા નંબર પર ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે. તેના નામે 3497 રન છે. ગુપ્ટિલે 31.79ની એવરેજથી આ રન બનાવ્યા છે. આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 3343 રન સાથે ત્રીજા નંબર પર છે.