રશિયન સૈન્યએ ચેતવણી આપી છે કે યુક્રેનિયન સૈનિકો જો મારિયુપોલમાં આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરશે તેમને તબાહ કરી દેવામાં આવશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેનિયનોને રવિવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 1 વાગ્યા સુધીમાં મારિયુપોલની અજોવસ્ટલ સ્ટીલ મિલમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. સેનાએ કહ્યું કે જેઓ હથિયારો હેઠા મુકશે છે તેમને “તેમના જીવ બચાવવાની ગેરંટી” આપવામાં આવશે.
રશિયાએ આપી કડક ચેતવણી
રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્ય કમાન્ડે તેના સૈનિકોના આત્મસમર્પણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે રશિયન સેનાને આ માહિતી ગુપ્તચર સંચાર દ્વારા મળી હતી. કોનાશેન્કોવે ચેતવણી આપી હતી કે ‘જે લોકો પ્રતિકાર કરવાનું ચાલુ રાખશે તેઓનો નાશ થશે.’
ભાડે આવ્યા છે 400 વિદેશી સૈનિકો?
તેમણે દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈનિકો સાથે અજોવસ્તાલમાં લગભગ 400 વિદેશી ભાડૂતી સૈનિકો છે, જેમાંથી મોટાભાગના યુરોપિયન દેશો અને કેનેડાના છે. કોનાશેન્કોવના દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.
ઇટાલીના પીએમએ યુક્રેનને બહાદુર કહ્યું
વધુમાં, ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેગીએ રશિયાના આક્રમણ સામે યુક્રેનના પ્રતિકારને “પરાક્રમી” ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે તેણે રશિયાના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે, જે જલ્દી જીતની આશા રાખતા હતા. ડ્રેગીએ ઇટાલિયન અખબારને કહ્યું કે યુક્રેનમાં “અમે પ્રતિકાર જોઈ રહ્યા છીએ” અને એવા કોઈ સંકેતો નથી કે યુક્રેનિયન લોકો રશિયન આક્રમણને વશ થઈ જશે.
‘પુતિન સાથે વાત કરવી સમયનો વ્યય’
યુક્રેનમાં યુદ્ધ પહેલા અને માર્ચના અંતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી ચુકેલા ડ્રેગીએ કહ્યું હતું કે તેઓ માને છે કે “રશિયન નેતા સાથે ચર્ચા કરવી એ સમયનો વ્યય છે.” ડ્રેગીએ કહ્યું કે કીવમાં પોતાના દૂતાવાસ ફરીથી ખોલવા સાથે, ઇટાલી યુક્રેનના લોકો સાથે સંપર્કમાં છે. રાજદૂતો શુક્રવારે યુક્રેનની રાજધાની પરત ફર્યા હતા અને દૂતાવાસ સોમવારે સંપૂર્ણ રીતે કાર્યરત થવાની ધારણા છે.