યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે આ મહિનાની શરૂઆતથી યુક્રેનની સેનાએ યુદ્ધગ્રસ્ત દેશના 6,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર રશિયન સેના દ્વારા કબજે કરી લીધો છે. તેમના રાત્રિના વીડિયો સંબોધનમાં રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું, “સપ્ટેમ્બરની શરૂઆતથી અમારા સૈનિકોએ પૂર્વ અને દક્ષિણમાં યુક્રેનિયન ક્ષેત્રના 6,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને મુક્ત કર્યો છે. અમારા સૈનિકો આગળ વધી રહ્યા છે.”
ઝેલેન્સકીએ આ સફળતા માટે યુક્રેનના વિમાન વિરોધી સંરક્ષણ દળોનો પણ આભાર માન્યો હતો. જોકે તેમણે એ નથી જણાવ્યું કે યુક્રેનના કયા શહેરો અને ગામોને રશિયન સૈન્યથી મુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિની ટિપ્પણી યુક્રેન દ્વારા રશિયાના કબજા હેઠળના પ્રદેશોને ફરીથી મેળવવા માટે શરૂ કરવામાં આવેલા વળતા હુમલા વચ્ચે આવી છે. ઝેલેન્સકીએ 8 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્યએ 1,000 ચોરસ કિમી પાછું લઈ લીધું હતું, પરંતુ રવિવાર સુધીમાં તે આંકડો ત્રણ ગણો વધીને 3,000 ચોરસ કિમી થઈ ગયો હતો.
રશિયાએ સ્વીકાર્યું છે કે તેણે ઉત્તર-પૂર્વીય ખાર્કિવ ક્ષેત્રના મુખ્ય શહેરો બાલાક્લિયા, ઇઝિયમ અને કુપિયાંસ્ક ગુમાવ્યા છે. રશિયા હજુ પણ યુક્રેનના પાંચમા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. દરમિયાન યુ.એસ. સ્થિત ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટડી ઓફ વોર થિંક ટેન્કે જણાવ્યું હતું કે “યુક્રેને તેનું વલણ તેની તરફેણમાં ફેરવ્યું છે, પરંતુ વર્તમાન પ્રતિ-આક્રમણ યુદ્ધને સમાપ્ત કરશે નહીં”.
રશિયા હજુ પણ આ દાવો કરી રહ્યું છે
જો કે બીજી તરફ રશિયાનો દાવો છે કે તે તેના સૈન્ય ઉદ્દેશ્યોમાં સફળતા હાંસલ કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ક્રેમલિને સોમવારે ફરી કહ્યું કે તે તેના લશ્કરી ઉદ્દેશ્યોમાં સફળ થશે. જ્યારે એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે શું રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને હજુ પણ તેમના લશ્કરી નેતૃત્વમાં વિશ્વાસ છે, ત્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જવાબ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેના બદલે, તેમણે કહ્યું કે “વિશેષ સૈન્ય ઓપરેશન ચાલુ છે. અને જ્યાં સુધી મૂળ નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ચાલુ રહેશે.”