રશિયા-યુક્રેન યુદ્ધ પછી વિશ્વના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. એક તરફ એવા દેશો છે જેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે યુક્રેનની સાથે છે અને બીજી બાજુ રશિયા અને તેના કેટલાક સહયોગીઓ છે. આ બદલાતા સમીકરણો વચ્ચે રશિયાએ જર્મનીના સેટેલાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો છે. મામલો સામે આવ્યા બાદ જર્મનીની સ્પેસ એજન્સી પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.
ખરેખરમાં યુક્રેન પર હુમલા બાદ રશિયાના ઘણા દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઘણા પશ્ચિમી દેશોએ રશિયા સાથેના સંબંધોને સંપૂર્ણપણે તોડીને યુક્રેનને મદદ મોકલી છે. આમાં જર્મનીનો પણ સમાવેશ થાય છે. જર્મનીએ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ સાથેનો સહયોગ તોડી નાંખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જર્મનીના આ પગલાથી રશિયન અધિકારીઓ નારાજ છે.
રશિયા સેટેલાઈટ પર નિયંત્રણ ઈચ્છે છે
ખરેખરમાં થોડા વર્ષો પહેલા રશિયા અને જર્મનીએ સંયુક્ત મિશન હેઠળ અવકાશમાં ઉપગ્રહ મોકલ્યો હતો. અત્યાર સુધી આ બંને દેશો આ મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા હતા. જો કે, જર્મની પીછેહઠ કર્યા પછી રશિયન અધિકારીઓએ તેને હેક કરવાનો પ્રયાસ કર્યો છે.
કામ અટકી ગયું છે
જર્મનીના પીછેહઠ બાદ ઇરોસિટા સેટેલાઇટનું કામ પૂર્ણપણે અટકી ગયું છે. બીજી બાજુ જર્મન અધિકારીઓએ ચેતવણી આપી છે કે જર્મનીની ભાગીદારી વિના ઇરોસિટા શરૂઆતમાં રશિયન સ્પેસ એજન્સીને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
સ્પેસ સ્ટેશનને તોડી પાડવાની ધમકી આપી હતી
યુક્રેન પર હુમલા બાદ અમેરિકાએ રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. આ પછી રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સીને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને જણાવ્યું હતું કે, અમારી પાસે આ 500 ટનના માળખાને ભારત અને ચીન પર પણ તોડી પાડવાનો વિકલ્પ છે. શું તમે તેમને આવી સંભાવના સાથે ધમકી આપવા માંગો છો? ISS રશિયા ઉપર ઉડતું નથી. આવી સ્થિતિમાં પ્રતિબંધ મૂકતા પહેલા તમે જાણો છો કે તમારે શું કરવાનું છે? રશિયાએ કહ્યું હતું કે, જો તે આ રીતે ચાલુ રહેશે તો તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ને ક્રેશ કરી શકે છે.