ધનતેરસના પર્વ પર અમદાવાદ પર લક્ષ્મીજીની કૃપા જોવા મળી, 125 કરોડના સોના-ચાંદીનું થયું વેચાણ

કોરોના કહેર બાદ ફરી લોકોમાં તહેવારોને લઈને પહેલા જેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ દિવાળીની રોનક પરત ફરી છે. નાની-મોટી ખરીદી કરીને લોકો પોતાના ઘરમાં દિવાળીની તૈયારીઓ શરુ કરી છે. અમદાવાદના જવેલર્સ પર જાણે લક્ષ્મીજીની કૃપા થઈ હોય તેમ 125 કરોડનું સોનાનું વેંચાણ થઈ રહ્યું છે, જ્યારે 1000 કિલો ચાંદી પણ વેચાઈ ગઈ છે. બે વર્ષ કોરોનાનો માર રહ્યા બાદ જાણે આ વર્ષે દિવાળી સુધરેલી જોવા મળી રહી છે.

દિવાળીના તહેવાર પર સારી ખરીદી થાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. શહેરમાં પુષ્ય નક્ષત્રના દિવસે સારી ખરીદી રહ્યા બાદ ગઈકાલે ધનતેરસ પર પણ 125 કિલો સોનાની અને 1000 કિલોગ્રામ ચાંદીનું વેચાણ અમદાવાદની સોની બજારોમાં થયું હોવાનું સામે આવ્યું છે. સોના-ચાંદીની સાથે પ્લેટેનિયમની ખરીદીમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષની તેજીને જોતા ઘણા ગ્રાહકો દ્વારા અગાઉથી જ પોતાના ઓર્ડર બૂક કરાવી દેવામાં આવ્યા હતા કે, જેથી તેઓ શુભ મુહૂર્ત પર પોતાની વસ્તુ પ્રાપ્ત કરી શકે. આવું જ પુષ્ય નક્ષત્રમાં પર્વ પર પણ જોવા મળ્યું હતું.

જ્યારે સોની બજારોમાં ખરીદારોની ભીડ ઉમટી આવતા મંદીનો માર સહન કરી રહેલા જ્વેલર્સના ચહેરા પર પણ સોના-ચાંદી જેવી રોનક જોવા મળી ગઈ હતી. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના અગ્રણીઓ રોહિત ઝવેરી અને નિશાંત સોની દ્વારા કહેવામાં આવ્યું છે કે, બે વર્ષ બાદ સોની બજારમાં તેજી જોવા મળી રહી છે. પુષ્ય નક્ષત્ર બાદ ધનતેરસે પણ લોકોએ સારી એવી ખરીદી કરી છે. ધનતેરસના દિવસે ગ્રાહકોએ સોના અને ચાંદીના મહાલક્ષ્મી તથા શ્રીજીના સિક્કા, સોના-ચાંદીની લગડી તથા ઘરેણાઓની ખરીદી કરી હતી.

નોંધનીય છે કે, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના શુભ માનવામાં આવતા મુહૂર્ત પર ગ્રાહકો દ્વારા લગ્ન માટેની પણ ખરીદી કરવામાં આવી હતી. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પર થયેલી સારી ખરીદીને જોતા સોની બજાર દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દિવાળી દરમિયાન પણ સારી ખરીદી જોવા મળી શકે છે.

Scroll to Top