મધ્યપ્રદેશથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાબાએ ૧૦૦ વર્ષની ઉમર થતા સાત ફૂટનો ખાડો ખોદી નાખ્યો છે. જેના કારણે આ બાબા ચર્ચામાં આવી ગયા છે. જ્યારે તેને લઈને ચારોતરફ ચર્ચાઓ થવા લાગી છે.
મધ્ય પ્રદેશના મોરેનામાં 100 વર્ષની ઉંમરના એક બાબાએ સમાધિ લેવા માટે સાત ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને પછી તેઓ સમાધિ લેવા માટે તે ખાડામાં સૂઈ ગયા હતા. તેની સાથે બાબાના ગામના લોકોએ બાબાને પાણી અને દૂધથી સ્નાન પણ કરાવ્યું અને સમાધિની તૈયારીઓ પણ શરૂ કરી હતી. પરંતુ છેલ્લા સમયે પોલીસ આવી અને પોલીસ દ્વારા બાબાને સમાધિ લેતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારે બાબાએ પોલીસને જણાવ્યું હતું કે, હું 100 વર્ષ જીવ્યો છું.
પોલીસ દ્વારા બાબાને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ સમગ્ર મામલો મોરેનાના કૈથોડા ગામનો રહેલો છે. વાસ્તવમાં કૈથોડા ગામના રહેવાસી રામ સિંહ ઉર્ફે પપ્પડ બાબાએ 100 વર્ષ પાર કરી લીધા છે. 100 વર્ષ પૂર્ણ થયા બાદ બાબા દ્વારા સમાધિ લેવાનું વ્રત લેવામાં આવ્યું હતું. બાબાએ આ વિશેની વાત ગ્રામજનોને કહી હતી. પહેલા તો ગ્રામજનો તૈયાર નહોતા પરંતુ બાબાના આગ્રહ સામે ગ્રામજનોએ અંતે માનવું પડ્યું હતું.
નોંધનીય છે કે, સમાધિ માટે બાબાના ગામમાં દુર્ગાદાસ આશ્રમમાં 7 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. સમાધિ લેતા પહેલા પપ્પડ બાબાને પાણી અને દૂધથી સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાબાને વિવિધ નારાઓ સાથે 7 ફૂટ ઊંડા ખાડામાં યોગ્ય રીતે સૂવડાવી દેવાયા હતા. ગ્રામજનો માટી નાખીને બાબા પર પથ્થરો મૂકે તે પહેલા જ કોઈએ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. સમાધિની માહિતી મળતા જ પોલીસની ટીમ તરત જ ગામમાં પહોંચી ગઈ હતી.
ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા બાબાને સમાધિ લેતા અટકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પપ્પડ બાબાને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતમાં પપ્પડ બાબાએ જણાવ્યું છે કે, ભગવાન તેમને સ્વપ્નમાં જોવા મળ્યા હતા, તેથી તે સમાધિ લઈ રહ્યા હતા. બાબા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે 100 વર્ષથી વધુ જીવી ચૂક્યા છે, હવે તેમને આ જીવનમાં બીજું શું કરવાનું છે, તેથી તે સમાધિ લઈ રહ્યા હતા.