સંતરામપુર: ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત 3 ના મોત

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે મહિસાગર જિલ્લામાં એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના બની હતી. અહીં સંતરામપુર પાસે ગુજરાત સરકાર પરિવહન નિગમની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરેરાટી ભરેલા આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક યુવક સહિત કુલ ત્રણના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ સંભાઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે બાઈક ઉપર ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એસટી બસ પણ ત્યાંથી પસાર થતાં બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે સંતરામપુર તાલુકાના વાજિયાકોટના ડેમલી ફળિયામાં રહેતા 20 વર્ષીય અજય લાલસિંહ ખરાડી અને 27 વર્ષીય જયદીપ લાલસિંગ ખરાડી જે સગા ભાઈઓ છે. અને અન્ય 25 વર્ષીય વિકાસભાઈ સોમાભાઈ ખરાડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વાજિયાકોટના ડેમલી ફળિયામાં રહેતા ત્રણે યુવકો આજે રવિવારે પોતાના ઘરેથી બાઈક ઉપર હીરાપુર ગામ તરફ જતાં હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ એસટીબસ કાળ બનીને સામે ભટકાઈ હતી. જેમાં બસની આગળના ભાગે બાઈક ઘૂસી ગયું હતું. અને ત્રણે યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે એસટીબસ સાથે 100 મિટર સુધી મૃતદેહો ઢસડાયા હતા.

એસટીબસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના મોત થતાં ત્રણે યુવકોના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુથી ગામ લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસ દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો