સરકારી અધિકારીઓ હોવાનું કહીને ૩૦૦૦ લોકોને છેતર્યા: પોલીસ દ્વારા ૨ મહિલા સહિત ૧૨ ની કરવામાં આવી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાઈબર ક્રાઈમ યૂનિટને એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાઈબર ક્રાઈમ યૂનિટ દ્વારા એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ દ્વારા સાઈબર ક્રાઈમના રિપોર્ટ કરવા માટે સરકારી વેબસાઈટની મળી આવતી કેટલીક ડુપ્લીકેટ વેબસાઈટ બનાવવામાં આવી હતી.

પહેલાથી જ સાઈબર ક્રાઈમનો શિકાર બનેલા લોકો આ વેબસાઈટ પર ફરિયાદ કે એફઆરઆઈ દાખલ કરવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે અહીં તેમની પાસેથી પ્રોસેસિંગ ફીના નામે પૈસા પડાવી લેવામાં આવતા હતા. પોલીસ દ્વારા આ બાબતમાં ગેંગ સાથે સંકળાયેલી 2 મહિલાઓ સહિત 12 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા અંદાજે 3000 પીડિતોને સિન્ડિકેટથી છેતરવામાં આવ્યા હતા.

આ બાબતમાં સાઈબર ક્રાઈમ યૂનિટના ડીસીપી કેપીએસ મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, એક ફરિયાદ મળી આવી હતી. જેમાં ફરિયાદી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, છેતરપિંડીની એક ઘટના અંગે ફરિયાદ કરવા માટે તેને પ્રયત્ન કર્યો હતો ત્યારે તે આ ફરિયાદ કરવા માટે www.jansurkashakendara.in નામની વેબસાઈટ પર ગયો હતો. જ્યારે આ એક ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ હોવાનો દાવો કરી રહી હતી. ફરિયાદી દ્વારા વેબસાઈટ પર મુકેલા મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવ્યો હતો. ફોન પર એવું કહેવામાં આવ્યું હતું કે, તેઓ સરકાર સાથે કામ કરતા અધિકૃત લોકો છે અને તેઓ છેતરપિંડી સંબંધમાં તેમની ફરિયાદ દાખલ કરશે.

ત્યાર બાદ આરોપીઓ ફરિયાદીની પૂછપરછ કરવાના બહાને તેની પાસેથી 2850 રૂપિયા વસૂલી લીધા હતા. તેની સાથે એક વખત ચૂકવણી થઈ ગયા બાદ આ ગેંગે ફરિયાદીના મોબાઈલ નંબરને બ્લોક કરી નાખ્યો હતો. આ સિવાય આ રીતે વધુ સાત ફરિયાદ નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર દાખલ કરવામાં આવી હતી. એક ફરિયાદ કર્ણાટકમાંથી પણ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, છેલ્લા એક વર્ષમાં આ ગેંગે 1,74,00,000 રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતમાં તપાસ કર્યા બાદ બે મહિલાઓ સહિત 12 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ બાબતમાં વધુ કાર્યવાહી કરતા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ 7 લેપટોપ અને 25 મોબાઈલ, એક મારૂતિ કાર તથા 52,500 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી એક પી. સિંહ પાંડે નોઈડાનો રહેવાસી અને તે મુખ્ય માસ્ટર માઈન્ડ રહેલો છે.

જ્યારે પીડિતો પાસેથી 500 થી લઈને 30,000 રૂપિયા સુધીની રકમ વસુલવામાં આવતી હતી. આરોપી દ્વારા જાહેર ફરિયાદ કેન્દ્ર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, ન્યાય ભારત અને અન્ય નામોથી કેટલીક નકલી વેબસાઈટો પણ બનાવવામાં આવી હતી. પીડિત જ્યારે વેબસાઈટ પર આપવામાં આવેલા નંબર પર ફોન કરતો તો સામે વારો વ્યક્તિ પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે જણાવતો હતો.

Scroll to Top