સેટેલાઈટમાં આવેલ ડી-માર્ટ પર ફટકારવામાં આવ્યો ₹90 હજારનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો?

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ પર તોલમાપ વિભાગ દ્વારા 90 હજાર રૂપિયાનો દંડ ફંટકારવામાં આવ્યો છે. ડી-માર્ટના સેટેલાઈટ સ્ટોરમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ મુજબ વિગતો ન હોવાના લીધે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ અધિકારીઓએ તપાસ કરતા ફરિયાદમાં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું અને ડી-માર્ટ પાસેથી 90 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. તોલમાપ અને પેકેજિંગ સહિતના નિયમોના ભંગ બદલ છેલ્લા દોઢ વર્ષમાં મેટ્રોલોજી વિભાગ દ્વારા 44 કરોડ રૂપિયાનો જંગી દંડની વસૂલાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ડી-માર્ટમાં જે પેકેટનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર લિગલ મેટ્રોલોજી એક્ટ 2009 અને પેકેજિંગ કોમોડિટી રૂલ 2011 મુજબ જે પણ જરૂરી નિર્દેશ હોવા જોઈએ તે રહેલા નહોતા. ત્યાર બાદ ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની ફરિયાદ સામે આવી હતી. તપાસ કરતા ફરિયાદ સાચી હોવાનું ખૂલતાં દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પર તાત્કાલિક અમલ કરવાનો આદેશ અપાયો હતો. આ સિવાય ડી-માર્ટને નિયમોના આધારે પેકેજિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.

જ્યારે લિગલ મેટ્રોલોજીના નિયામક ચંદ્રેશ કોટક દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા કોઈ પણ પ્રકારના એકમો સામેની ફરિયાદ નોંધાશે તો તોલમાપ વિભાગ તરત જ તપાસ કરવામાં આવશે અને તથ્ય જોવા મળશે તો કડક પગલા ભરવામાં આવશે. જ્યારે 2020-21 માં 1,79,676 અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં 72,938 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 2020-21 માં 9,744 અને 2021માં 3,338 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અનુક્રમે 30.72 કરોડ અને 13.86 કરોડનો દંડ લેવામાં આવ્યો હતો.

જયારે આ એકમોમાં ગ્રાહકો સાથે છેતરપિંડી અને નિયમભંગ બદલ તપાસ કરવામાં આવી હતી તેમાં પેટ્રોલ પંપ, પુરવઠા વિભાગના ગોડાઉન, સસ્તા અનાજની દુકાનો, સોના-ચાંદીની દુકાનો, ફરસાણની દુકાનો, ડેરી પાર્લરને સામેલ કરવામાં આવ્યા છે.

Scroll to Top