હવે ‘વિદ્રોહી’ ફેમ શરદ મલ્હોત્રા થયા કોવિડ પોઝિટિવ, પત્ની સાથે હોમ ક્વોરેન્ટાઈન

દેશમાં કોરોના વાયરસની સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહયા છે. જેને કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ તેનો પ્રકોપ વધી રહ્યો છે. ફિલ્મોના શૂટિંગ અને રિલીઝ ટાળવામાં આવી રહી છે અને ઘણી સેલિબ્રિટીઓ પણ આ વાયરસથી સંક્રમિત થઇ રહી છે. ત્યારે હવે જાણીતા ટીવી એક્ટર શરદ મલ્હોત્રા પણ કોવિડ-19ની ઝપેટમાં આવી ગયા છે. શરદ મલ્હોત્રાએ આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે આ સાથે એવું પણ લખ્યું છે કે તે તેની પત્ની રિપ્સી ભાટિયા અને બેબી (ડોગ) સાથે હોમ ક્વોરેન્ટાઈનમાં છે.

‘વિદ્રોહી’ ફેમ શરદ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘નવા વર્ષની કેટલી સકારાત્મક શરૂઆત છે. હું મારી પત્ની અને બેબી (લીઓ) સાથે હોમ ક્વોરેન્ટાઇનમાં છું. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે અને માસ્ક જરૂર પહેરે.’

શરદ હાલમાં જ તેની પત્ની રિપ્સી સાથે નવા વર્ષની ઉજવણી કરવા શિમલા ગયો હતો. જે બાદ તેમની તબિયત થોડી નાદુરસ્ત થઈ ગઈ હતી. બુધવારે બપોરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેમનામાં હળવા લક્ષણો દેખાઈ રહયા છે.

શરદ હાલમાં સ્ટાર પ્લસના ઐતિહાસિક શો ‘વિદ્રોહી’માં બક્ષી જગબંધુની ભૂમિકા ભજવી રહ્યો છે. શરદના કોવિડ પોઝિટિવ આવ્યા બાદ આખી ટીમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા જાણીતા સેલેબ્સ કોરોનાનો શિકાર બન્યા છે. જેમાં એરિકા ફર્નાન્ડિસ, સોનુ નિગમ, નોરા ફતેહી, અર્જુન બિજલાની, એકતા કપૂર, દ્રષ્ટિ ધામી, નકુલ મહેતા, ડેલનાઝ ઈરાની અને મૃણાલ ઠાકુરનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકારણ જગતની પણ ઘણી હસ્તીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે.

Scroll to Top