ઉત્તર ભારતમાં ઘણા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થઇ છે. ખાસ કરીને હિમાચલની રાજધાની શિમલા સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે ક્યાંક પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
આ દરમિયાન હિમાચલની રાજધાની શિમલામાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે રાજભવનના પ્રાંગણમાં હિમવર્ષાની મજા માણી હતી. શિમલામાં શનિવારથી સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ હતી અને તે રવિવારે પણ ચાલુ રહી હતી.
રવિવારે પણ પહાડોની રાણી શિમલામાં પર બરફ પડવાનું ચાલુ છે અને દરેક જગ્યાએ જાડી સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે. આ દરમિયાન હિમવર્ષા જોવાની આશામાં શિમલા પહોંચેલા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે અને તેઓ ખૂબ જ મજા કરી રહ્યા છે. આપણા દેશમાં ઘણા એવા શોખીનો છે કે જેમને હિમવર્ષા જોવી હોય છે, એવા લોકો શિયાળામાં ઉત્તર ભારતમાં ફરવા પહોંચી જતા હોય છે.
જણાવી દઈએ કે શનિવારે સવારે જાખુ પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ હતી, જ્યારે શિમલાના રિજ મેદાન અને મોલ રોડ પર હળવી હિમવર્ષા થઈ હતી. જો કે રવિવારે પણ સવારથી જ શિમલામાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને દરેક જગ્યાએ બરફ જોવા મળી રહ્યો છે.
શિમલાના કુફરી, નારકંડા સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં અત્યાર સુધીમાં ઘણી વખત હિમવર્ષા થઈ છે, પરંતુ હિમાચલની રાજધાનીમાં હિમવર્ષાએ થવાની રાહ જોવાઈ રહી હતી. દરમિયાન, શનિવારે શિમલા શહેરમાં હિમવર્ષાથી બધા ચોંકી ગયા હતા. ત્યારે હવે રવિવારે પણ હિમવર્ષાના કારણે પર્વતોની રાણીની સુંદરતા વધુ આકર્ષક બની છે.