અમદાવાદના શિવરંજનીમાં હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત ચાર લોકો પર એક કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી. જેમા એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમા એક બાળકનો પણ સામેલ છે. તાજેતરમાં તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ હિન્ડ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ગયા છે. જેમા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, કાર માલિક ફૂલ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. સીસીટીવી પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બે કાર વચ્ચે મોડી રાત્રે રેસ ચાલી રહી હતી. જેમાં પાછળના કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી નાખતા કાર ફૂટપાથ પર સુતેલા લોકોને અથડાઈ ગઈ હતી.
અકસ્માત બાદ કારમાં સવાર ચાર લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. જેમાંથી બે લોકો કારની દીશામાં અને બે લોકો તેની વિરુદ્ધ દિશામાં ભાગતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન હાજર લોકોએ તેમને પકડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કારમાં સવાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેવું પણ જોવા મળી રહ્યું હતું. કારના માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવી ચુક્યું છે અને અકસ્માત સર્જી ભાગી ગયેલ પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.
આરોપી પર્વ શાહે મીડિયા સાથેની વાચચીતમાં કહ્યું હતું કે, તેમની પાછળ પોલીસની ગાડી હોવાથી તે ભયભીત થઈ ગયો હતો અને તે તેમનાથી બચવા માટે ગાડી ઝડપી ભગાવી હતી અને અકસ્માત સર્જાઈ ગયો હતો. અમદાવાદના એન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ આત્મસમર્પણ કરનાર પર્વ શાહે વધુમાં કહ્યું હતું કે, તેણે વરસાદી વાતાવરણ હોવાનાં કારણે ગાડી પરનો કાબુ ગુમાવી દીધો જેના કારણે સાઇડમાં રહેલા ફુટપાથ પર લોકો પર ગાડી ચડી ગઇ હતી.
જ્યારે પર્વના પિતા શૈલેષ શાહનો દાવો છે કે, બે ગાડીઓ વચ્ચે રેસ કરી રહી હોવાની વાત તદ્દન ખોટી છે. મારા પુત્ર પાસે ગાડીનું લાઇસન્સ પણ છે. મારા પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.શિવરંજની પાસે અકસ્માત સર્જી પોલીસ સમક્ષ હાજર થનાર આરોપી પર્વ શાહ અને તેના પિતાના નિવેદનમાં વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
જ્યારે જે કારથી અકસ્માત થયો તે કારના ટ્રાફિક નિયમભંગના હજારો રૂપિયાનો ઈ મેમો ભરવાના બાકી રહેલો છે. જે કારથી અકસ્માત થયો છે, તે કાર આરોપી પર્વ શાહના પિતાના નામે રહેલી છે. i-20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી રહેલા છે. પોલીસના ચોપડે આ કારે ટ્રાફિકના નિયમો તોડી હજારો રૂપિયાનો દંડ ભર્યા નથી, જેના કારણે તમામ મેમો હજુ પેન્ડિંગ રહેલા છે.