જમ્મુ-કાશ્મીરનું શ્રીનગર ફરી એકવાર ગોળીબારના અવાજથી ધ્રૂજી ઊઠ્યું. આતંકવાદીઓએ સોમવારે સાંજે સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 જવાન શહીદ થયા હતા અને 12 જવાનો ઘાયલ થયા હતા. આ મામલામાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે કે જે બસમાં સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા તે બસ બુલેટપ્રુફ નહોતી. પ્રાથમિક માહિતી મુજબ સૈનિકો પાસે હથિયાર પણ નહોતા.
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ પંથા ચોક વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર સશસ્ત્ર પોલીસ દળની 9મી બટાલિયનની બસને નિશાન બનાવી હતી. આ હુમલામાં 2 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જ્યારે 12 જવાનો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાંથી એક ASI અને એક સિલેકશન ગ્રેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર સશસ્ત્ર પોલીસ દળના જવાનોની બસ પર ત્રણ બાજુથી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ બાઇક પર આવ્યા હતા.
જણાવી દઈએ કે શનિવારે પણ આતંકીઓના હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કરતા બાંદીપોરાના ગુલશન ચોક વિસ્તારમાં પોલીસ પાર્ટીને નિશાન બનાવી હતી. આ હુમલામાં મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહેમદ નામના બે પોલીસકર્મીઓ ખરાબ રીતે ઘાયલ થયા હતા, તેઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.