વડોદરા: 26 ઓગસ્ટે ભાઇ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતુ પર્વ રક્ષાબંધન છે, ત્યારે વડોદરાની એક બહેન પોતાના માનસિક બીમાર ભાઇની સારસંભાળ લેવા માટે આજીવન કુંવારી રહી છે. બહેને માતા-પિતાના અવસાન બાદ પોતાના ભાઇને પોતાનું જીવન માની લીધું છે અને સતત તેની સેવા ચાકરીમાં વ્યસ્ત રહે છે.
માતા-પિતાના અવસાન બાદ ભાઇને પોતાનું જીવન માન્યું
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારામાં પરેશનગરમાં રહેતી મનિષા હરિષભાઇ બારોટ નામની 43 વર્ષીય યુવતીએ પોતાના માનસિક બીમાર ભાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. મનિષા બારોટનો નાનો ભાઇ જન્મથી માનસિક બીમાર છે. તેની સ્થિતિ એવી છે કે, તે બોલી શકતો નથી અને સતત તેનું ધ્યાન રાખવું પડે છે. મનિષાના પિતા સરકારી નોકરી કરતા હતા અને માતા પણ સ્કૂલમાં આચાર્યા હતાં.
મનિષાના જન્મ બાદ પાંચથી છ વર્ષ બાદ તેનાં નાનાં ભાઇ-બહેનનો જન્મ થયો હતો. નાનાં બંને ભાઇબહેન જન્મથી માનસિક બીમાર હતાં અને ચાલી કે બોલી પણ શકતાં હતાં. જો કે માતા-પિતાએ કરેલા અથાગ પ્રયાસો બાદ નાની બહેન ચાલી શકતી અને બોલી શકતી થઇ હતી પરંતુ નાનો ભાઇ માત્ર ચાલતો થઇ શક્યો હતો પણ બોલી શકતો પણ હતો.
ગ્રેજ્યુએશન કરી ચૂકેલી મનિષા બારોટના પિતાનું 7 વર્ષ પહેલાં અવસાન થયા બાદ અને બે વર્ષ પહેલાં માતાનું અવસાન થયા બાદ હવે બંને નાનાં ભાઇબહેનની સંપૂર્ણ જવાબદારી મનિષા ઉપર આવી ગઇ હતી. જોકે માતા-પિતાની હયાતી સમયે મનિષાએ ભાઇ-બહેનની સ્થિતિ જોઇ બંનેની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લેવાનો નિર્ણય કર્યો હતો.
માનસિક બીમાર ભાઇની હાલત એવી છે કે, તેને હરપળે કોઇની મદદની અને ધ્યાન રાખવાની જરૂર રહે છે. તે જોતાં મનિષાએ લગ્ન નહીં કરવાનો અને જીવનભર ભાઇની સંભાળ રાખવાનો નિર્ણય કર્યો હતો. માતા-પિતાએ શરૂઆતમાં મનિષાને અનેક વાર સમજાવી હતી પણ મનિષા પોતાના નિર્ણયમાં અડગ રહી હતી.
અત્યારે માતા-પિતાનું છત્ર ગુમાવી ચૂકેલા માનસિક બીમાર ભાઇ અને બહેનની માતા-પિતાની જેમ સંપૂર્ણ જવાબદારી મનિષા સંભાળી રહી છે. ભાઇને નવડાવી કપડા પહેરાવવાથી માંડીને જમાડવા સહિત તમામ કામ મનિષા હસતા ચહેરે કરે છે. રક્ષાબંધન નિમિત્તે ત્યાગ અને સમર્પણની ભાવના સાથે બહેને પોતાના નાના ભાઇને હવે જીવન માની લીધું છે.
ભાઇને રાખડી બાંધવાની સાથે રક્ષા કરવાનું પણ પ્રણ લીધું છે
મનિષા પોતાના નાના ભાઇને દર વર્ષે હાથ પર રાખડી બાંધીને જીવનભર તેનું રક્ષણ કરવાનું જાણે કે પ્રણ લીધું છે. માતા-પિતાની ભૂમિકા ભજવવાની સાથે વ્હાલસોઇ બહેન બનીને મનિષા પોતાના ભાઇની દરેક ક્ષણે સાથે રહીને તેની જીવનભર સેવા કરવાનો નિર્ણય કર્યો છે. મનિષાના સ્વજનો અને મિત્રો પણ મનિષાને સાથ આપીને મનોબળ ઊચું લાવી રહ્યાં છે.