મતદાન કેન્દ્રની બહાર આત્મઘાતી હુમલો, મહિલા સાંસદ સહિત 48ના મોત

સોમાલિયામાં મતદાન કેન્દ્ર પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં એક મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ હુમલો બુધવારે મોડી રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુના હિરાન ક્ષેત્રના બેલેડવેયેન શહેરમાં થયો હતો.

મહિલા સાંસદનું મૃત્યુ

મૃતકોમાં સરકારના સ્પષ્ટવક્તા ટીકાકાર ગણાતા વિરોધ પક્ષના ધારાસભ્ય અમીન મોહમ્મદ અબ્દીનો પણ સમાવેશ થાય છે, જેઓ નેશનલ એસેમ્બલીમાં તેમની બેઠક માટે ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. સોમાલિયાના હિરશાબેલે પ્રાંતના ગવર્નર અલી ગુડલાવેએ જણાવ્યું હતું કે સોમાલિયાના વિદ્રોહી જૂથ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે.

આ હુમલામાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. તેમણે કહ્યું કે 108 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ પ્રથમ આત્મઘાતી હુમલો વિપક્ષી સાંસદને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. પ્રથમ વિસ્ફોટ બાદ જ્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે બીજો હુમલો કારમાં રાખવામાં આવેલા વિસ્ફોટકો વડે કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાને આપ્યું આ નિવેદન

સોમાલિયામાં સંસદીય ચૂંટણીઓ ચાલી રહી છે અને નીચલા ગૃહ માટે 275 સભ્યોની પસંદગી થવાની છે જેઓ બાદમાં દેશના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. વડા પ્રધાન મોહમ્મદ હુસૈન રોબલે જણાવ્યું હતું કે વિસ્ફોટો ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે હતા.

Scroll to Top