ચૂંટણી જંગમાં સોનિયા અને રાહુલ ઉતર્યા! 15 દિવસમાં 25 રેલી; કોંગ્રેસનો ભવ્ય પ્રચાર

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ ધ્યાન મિશન ગુજરાત પર કેન્દ્રિત કર્યું છે. આ અંતર્ગત પાર્ટી આગામી 15 દિવસમાં કુલ 25 મેગા રેલીઓ કરશે જેમાં 125 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. કોંગ્રેસની આ રેલીઓ આક્રમક ચૂંટણી વ્યૂહરચના હેઠળ હશે, જેમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ ભાગ લેશે.

કોંગ્રેસ નેતાના કહેવા પ્રમાણે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે. આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર મહારાષ્ટ્રમાં છે. તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર કરવા આવ્યા ન હતા પરંતુ તેઓ ગુજરાતમાં આવશે તેવી ચર્ચા છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, બે મુખ્ય પ્રધાનો – અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ; કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપરાંત પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રીઓ અને ઓબીસી-એસસી-એસટી-લઘુમતી વર્ગના મોટા નેતાઓ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં રેલીઓ અને પ્રચાર કરશે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે આ વખતે પણ કોંગ્રેસે આક્રમક ચૂંટણી પ્રચારની રણનીતિ બનાવી છે.

તમને જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ રાજ્યમાં આક્રમક ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. આ કારણોસર, કોંગ્રેસે ભાજપને ડબલ ડિજિટ (99 બેઠકો) પર લાવીને છેલ્લા ત્રણ દાયકામાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ આધાર રાખીને પોતાની રણનીતિ બદલી છે. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2022માં દ્વારકામાં રાજ્ય કક્ષાના ચિંતન શિવર ખાતે પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી; જેના પગલે, પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે “મૌન અભિયાન” યોજના અમલમાં મૂકી. વધુમાં, કોંગ્રેસે આ વખતે ઘર-ઘર પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં (1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર) યોજાશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ગુજરાતમાં આ વખતે ચૂંટણી જંગ ત્રિકોણીય બની ગયો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો