કર્ણાટકના મેંગલોરમાં એક સ્પીડમાં આવતી BMW કારે ઘણા લોકોને ઘાયલ કર્યા. આ માર્ગ અકસ્માતનો એક ભયાનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દુર્ઘટના 9 એપ્રિલની કહેવાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી ડ્રાઈવરની સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના મેંગ્લોરના બલ્લાલબાગ ઈન્ટરસેક્શન પાસે બપોરે 1.20 વાગ્યે બની હતી. અકસ્માતના વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક બેકાબૂ BMW કાર તેની લેનમાંથી ડિવાઈડર ઓળંગીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી. ડિવાઈડર ક્રોસ કરતી વખતે, BMW કાર સીધી મહિલા સવાર સ્કૂટી પર અથડાઈ. કારની જોરદાર ટક્કરથી સ્કૂટર ચાલક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.
https://twitter.com/BHARATGHANDAT2/status/1512771196827303944
BMWની ટક્કરમાં નુકસાન પામેલા અન્ય વાહનના ડ્રાઈવર અને સ્કૂટી પર સવાર મહિલાની સારવાર ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અન્ય એક મહિલા, જે રોડ ક્રોસ કરવા માટે ડિવાઈડર પર ઉભી હતી, તે બીએમડબલ્યુની ટક્કરથી માંડ-માંડ બચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, BMWના ડ્રાઈવરની ઓળખ મન્નાગુડ્ડાના શ્રવણ કુમાર (30) તરીકે થઈ છે. શ્રવણ ડેરેબેલમાં ઈન્ટીરીયર ડેકોરેશનનો બિઝનેસ કરે છે. અકસ્માત બાદ તરત જ ત્યાં હાજર લોકોએ BMW કારના ડ્રાઈવરને પકડી લીધો અને તેની મારપીટ શરૂ કરી દીધી. આરોપ છે કે અકસ્માત સમયે BMWનો ડ્રાઈવર દારૂના નશામાં હતો. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.