સ્ટર્લિંગ હોસ્પિટલ: કોરોનામાં 2865 દર્દીઓની સારવાર કરનાર વડોદરાની ડો.સોનિયા દલાલે કર્યો મોટો ખુલાસો

વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ દ્વારા કોરોના કાર્યકાળમાં ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા 1880 કરોડની કમાણી કરવામાં આવી હતી. જ્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે ડોક્ટરોના નામે દર્દીઓ પાસેથી 30 કરોડ ઉઘરાવીને લૂંટ ચલાવી હોવાનો મોટો ખુલાસો થયો છે.

કોરોના કાળ દરમિયાન 2865 દર્દીની સારવાર કરનાર ડો.સોનિયા દલાલ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. પલ્મોનોલોજીસ્ટ ડો. સોનિયા દલાલ દ્વારા પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે કે, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમના દ્વારા સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ તરીકે સેવા આપવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા તેમને 20 કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી નાખવામાં આવ્યા હતા. જેના કારણે મહિલા ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે.

જ્યારે પલ્મોલોજિસ્ટની ડો.સોનિયાની તપાસ ક્રાઈમ એ.સી.પીને સોંપવામાં આવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રાજ્ય સરકાર અને વી.એમ.સીની ગાઈડલાઈનનો ભંગ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ડો.સોનિયા દલાલ પોતે સ્ટર્લિંગ હોસ્પિટલના કોવિડ દર્દીઓની સારવાર કરતા હતા. ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલા હોસ્પિટલના દર કરતા વધુ 30 કરોડ ઉઘરાવી લીધાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડો સોનિયા દલાલને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી 20 કરોડ લેવાના થાય છે, તેની સામે 1 કરોડ 41 લાખ જ ચુકવવામાં આવ્યા હતા. કોરોના કાળમાં ડોક્ટરની વિઝિટીંગ ફી 3 હજારની જગ્યાએ 11000 ઉઘરાવવામાં આવી હતી. ડો. અભિનવ ભોંસલેને હોસ્પિટલ સાથે કોઈ લેવાદેવા નથી, તેમ છતાં તેમના નામે દર્દીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના કોરોનામાં ડોક્ટરોની આડેધડ લૂંટના આક્ષેપ બાદ ફરિયાદો સામે આવી રહી છે. ધારાસભ્ય દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, શહેરની 160 ખાનગી હોસ્પિટલમાં 37602 કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં દર્દી દીઠ સરેરાશ પાંચ લાખ ખર્ચ ગણતા આંકડો 1880 કરોડ પહોંચે છે.

અનેક દર્દીઓના હોસ્પિટલના બિલ 2 થી 40 લાખ થયેલા છે. કોરોના કાળ વખતે ઝુંબેશ ચલાવી સારવારની ફી અડધી ન કરાવી હોત તો ડોક્ટરોએ 3500 કરોડની કમાણી કરી લીધી હોત. ડોક્ટરોની નિષ્કાળજી કારણે મોત થયેલા દર્દીઓના પરિવારને શુ વળતર આપવામાં આવ્યું છે? ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા લોનો પુરી કરી ફોરેનની મોંઘીદાટ ગાડીઓ વસાવવામાં આવી, ફાર્મ હાઉસ ઉભા કરવામાં આવ્યા હતા.

Scroll to Top