સોશિયલ મીડિયા પર ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતથી તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેનાર 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જવાના કિસ્સાએ ચકચાર મચાવ્યો છે. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના લીધો હતો. જેમાં 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નહોતી. આ મુદ્દે સુરત મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે કહ્યું છે કે, વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર ઉભી થઈ શકે નહીં.
નાસિકમાં રહેનાર એક 71 વર્ષીય વ્યક્તિને વેકસિન લીધા બાદ સ્ટીલના વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયા હતા તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ ગયો હતો. તેમ છતાં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આ વાતને સ્પષ્ટપણે નકારામાં આવી હતી. સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. 78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેક્સિનનો પહેલો ડોઝ 19 માર્ચના અને વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના સમયગાળામાં લીધો હતો. જ્યારે વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વીડિયો દેખ્યો હતો. ત્યાર બાદ તેમણે પણ વિચાર્યું કે, આવો તેમને પણ પ્રયોગ કરવો જોઈએ.
આ દરમિયાન આજે સવારે જ્યારે પૂનમ જગતાએ તેમની માતા પર આ પ્રયોગ કરીને જોયો તો આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યાં અને આ વાતને લઈને તે ચિંતિત થઈ ગયા હતા. ત્યાર બાદ તેમણે ડોક્ટરનો પણ સંપર્ક કર્યો હતો. તેમ છતાં ડોક્ટર પણ આ બાબતને લઈને વધુ સ્પષ્ટતા કરી શક્યા નથી.
આ ઘટના બાદ વત્સલાબેનના પુત્ર પૂનમ જગતાપે કહ્યું છે કે, વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું માનતો નથી, તેમ છતાં જે પણ થઈ રહ્યું છે એ સત્ય છે. જ્યારે આ બધું વેક્સિનને કારણે થઈ રહ્યું હોય તેવું નથી, કેમ કે આ પ્રયોગ મેં મારા દસ વર્ષના પુત્ર વેદ પર પણ કરી જોયો હતો અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટવા લાગવાનું શરૂ થઈ ગયુ હતુ. જ્યારે મારો પુત્ર દસ વર્ષનો છે અને તેને કોઈપણ પ્રકારની કોરોનાની વેક્સિન અપાઈ, જેથી હું માનતો નથી કે, આ બધું કોરોનાની વેક્સિનના કારણે થઇ રહ્યું હશે. વેક્સિન સુરક્ષિત છે અને મારા માતાને બંને ડોઝ લીધા પછી કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. જેના લીધે દરેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન લેવી જોઈએ અને આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં.
જ્યારે આ દરમિયાન સુરતની મહિલામાં પણ વેકસિન લીધા બાદ મેગ્નેટની અસર જોવા મળવાની વાત જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકને કરવામાં આવી તો તેમણે તે બનાવથી અજાણ હોવાનું કહ્યું હતું. તેમ છતાં તેમણે એ બાબતને પણ સ્વીકારી કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ આડ અસર આવી શકે નહીં. તેનામાં રસીમાં એવા કોઈ તત્ત્વ નથી, જેના કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થઇ શકે.