મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વર્તમાન કહેરને જોતા રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના હેતુથી કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી હાલ કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10977 શાળાઓમાં ધોરણ-10 ના નિયમિત વિધાર્થીઓને આ માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10 મી મે થી 25 મી મે સુધી યોજાવા જઈ રહી હતી. તે કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત 15 મી એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો.