અમદાવાદ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમા તૈયાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાછળ સાપુતારા અને વિંધ્યાચળની પર્વતમાળા આવેલી છે. 3200 વર્કર્સ અને 230 જેટલા એન્જિનિયર્સે રાત-દિવસ એક કરીને આ પ્રતિમાને આકાર આપ્યો છે. 31 ઓક્ટોબરે પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
2000 મેટ્રીક ટન બ્રોન્ઝની પ્લેટથી સરદાર પટેલના ચહેરા અને ખોપરીના ભાગને જોડીને મૂર્તિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 157 મીટર સુધીનું સ્ટેચ્યૂ તાંબાથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યૂની નીચે આવેલું મ્યૂઝિયમ હજુ નિર્માણાધિન છે.
સાઈટ પર હાજર L&Tના એક અધિકારીએ જણાવ્યું કે, “આગામી સપ્તાહમાં મ્યૂઝિયમનું કામ પૂરું થઈ જશે. વિઝિટર્સ માટેની વિશાળ ગેલેરી બની ગઈ છે. 135 મીટરની ગેલેરી સરદાર પટેલના કોટના બીજા અને ત્રીજા બટનની વચ્ચે બનાવાઈ છે. આ ગેલેરીમાં 200 લોકો એકસાથે હાજર રહી શકે તેટલી ક્ષમતા છે.”
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કોમ્પ્લેક્સ અને મ્યૂઝિયમને જોડતું ટ્રાવેલેટર તૈયાર કરવામાં આવ્યું છે. એક કિલોમીટર આગળ જઈએ તો ફૂડ કોર્ટ, ગાર્ડન, બોટ ડૉકિંગ પોઈન્ટ અને બે હેલિપેડની સુવિધા છે.
સરદાર સરોવર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, “એક વખત ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી મળે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા લોકો બોટ રાઈડિંગ પણ કરી શકશે. સરદાર સરોવર ડેમ અથવા તો નિર્માણાધિન હોટલ પ્રોજેક્ટ ‘શ્રેષ્ઠ ભારત ભવન’થી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કોમ્પ્લેક્સ સુધી બોટિંગની મજા લઈ શકશે.”
આગામી અઠવાડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોમ્પ્લેક્સ સુધી પહોંચવા માટે તૈયાર થઈ રહેલા ફોર-લેન રોડ માટે કેટલાક મકાનો તોડી પાડવામાં આવશે. પત્ની સાથે સરદાર આવાસમાં રહેતા 70 વર્ષીય પ્રેમા તડવીએ કહ્યું કે, “અમે એ 10 ટકા પરિવારો પૈકીના છીએ જેમને હજુ સુધી જમીન અપાઈ નથી. SSNNLનો દાવો છે કે તેમણે પ્લોટની ફાળવણી કરી દીધી છે પરંતુ અમને હજુ સુધી કન્ફર્મેશન મળ્યું નથી.”