ભાવનગર કહો કે ભાવેણાં.. ભાવથી જે બોલાવે એ સાહેબ ભાવનગર…
અને એમાં પણ ત્યાંના રાજાની જે મહાનતા છે એ મહાનતા સામે શુ કહેવું ??
કેહવાય કે પુત્ર ના લક્ષણ પારણામાં અને મોર ના ઈંડા ને થોડી કોઈ દી ચિતરવા પડે? આવી જ એક યુવરાજ સાહેબ ની વાત કરીએ આજે ભાવનગર ના રાજકુમાર એવા જયવીરરાજ સિંહ ગોહિલ સાહેબ ની, જેઓ યુવાનો માટે સ્ટાઇલ માં અને ફિટનેસ માં યુથ આઇકોન તરીકે ઓળખાય. આખુંય બૉલીવુડ પણ તેમના વખાણ કરે તેવાની વાત.
વાંચો આ લેખ..
જયવીરરાજસિંહ ગોહિલ કે જેઓ ભાવનગરના પ્રિન્સ છે તેઓ બૉલીવુડ સ્ટાર્સ સાથે હંમેશા જોવા મળતાં હોય છે. ભાવનગરના પ્રિન્સ હોવાને નાતે તેઓ હંમેશા લોકોની મદદ કરે છે અને તમે તેમની સાથે વાતચીત પણ આરામથી કરી શકો છો. તેમને મળીને તમને લાગશે ખરેખર આ વ્યક્તિની નમ્રતા ને સલામ.
તેઓ પોતાની ઓળખના કારણે પ્રખ્યાત છે પરંતુ તે સિવાય એક અનોખી ઓળખ છે તે છે બોડીબિલ્ડીંગ. તેઓ પોતાના વિવિધ સ્વરૂપોમાં તેમની કુશળતાના કારણે બૉડીબિલ્ડિંગ, હોસ્પિટાલિટીથી લઈને રાજકારણ સુધી પ્રખ્યાત છે.
તેમનો જન્મ 27 ઓક્ટોમ્બર, 1990 ના રોજ થયો હતો જયવીરરાજસિંહ પાસે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી છે. આ ઉપરાંત તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલ લેસ રોચેસમાંથી એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે જે બોડી બિલ્ડિંગ વિશે પેશનેટ છે તેમજ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.
તેમની સાથે ઘણા બૉલીવુડ સ્ટાર જોવા મળે છે. જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના નાતી છે. તેમના લગ્નમાં વસુંધરારાજે, ક્રિકેટર અજય જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહયાં હતા.
જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. પ્રેમ અને આદરસન્માનને કારણે લોકો તેમના પાર ખુબ જ સ્નેહ વરસાવે છે.
ભાવનગરમાં મહાન રાજવી કૃષકુમારસિંહજી પણ થઇ ગયા. ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા.
આ ઉપરાંત પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.
કૃષ્ણકુમારસિંહજી વીશે વાંચો
પ્રજાપાલક મહારાજ કૃષ્ણકુમારસિંહજી – ભાવનગર સ્ટેટ.
1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની હુ શું વાત કરું પરંતુ મને એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે.
આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે છે.
રજવાડું સોંપતી વખતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પોતે પોતાની બધી જ સંપત્તિ આપી દે પરંતું મહારાણી સાહેબ ના દાયજામાં આવેલ સંપત્તિ માટે મહારાણી સાહેબ ને એક નોકર દ્વારા પુછાવવામાં આવે ત્યારે મહારાણી સાહેબ નો જવાબ આવે છે.
“હાથી જતો હોય તો એનો શણગાર પણ સાથે જ જાય એને ઉતારવાનો ના હોય…”
વાહ શું ખાનદાની !! એક પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને સલામ. આજ આ પ્રજા ને જે રાજા થકિ અખંડિત ભારતનું નિર્માણ થયું તે રાજવી ને કોઈ યાદ પણ નથી કરતું તે બદલ જ દુ:ખ થાય છે.
આજના આ રાજકારણીઓ જ્યાં મત મળે તેના પગ પણ ચાટવાં મંડે પરંતું ક્યારેય આવી મહાન વ્યક્તિ ને યાદ નથી કરતાં.
પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નું સુત્ર પણ હતું “મારી પ્રજાનું કલ્યાણ થજો”.
નોંધ: સર્વે રજવાડાં ને એકત્રિત કરવાં માટે સૌથી મહત્ત્વનો ફાળો ભાવનગર ના પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો હતો.
સૌને ગમે સંસાર મા લાખ વાતે લેવુ, પણ દુનીયામા એક દેવુ ઇતો વહમુ લાખા વીછીયા.
આપે એને જગત ભૂલી જાય છે નિયમ્ છે આ તુલસી નાં પાંદડે ૧૮૦૦ ગામ રાષ્ટ્ર ના અકત્રીકરણ માટે આપનાર પેલા મહારાજા.
૧૯૫૪-૧૯૫૫ના સમયની આ વાત છે.ભારત આઝાદ થયું અને રજવાડાનું વિલિનીકરણ થયું એ વાતને સાતેક વર્ષના વહાણા વાઇ ગયાં છે. ભારતસંઘમાં જોડાવવા માટે સૌપ્રથમ સરદાર પટેલને હાથે માતૃભુમિને સોંપી દેનાર ગોહિલવાડ-ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હવે મદ્રાસ સ્ટેટના ગવર્નર ( રાજ્યપાલ ) હતાં.
જ્યારે ભાવનગર રજવાડું હતું ત્યારે આખા ભારતમાંથી કદાચ એકમાત્ર ભાવનગરમાં એવો કાયદો હતો કે ગોહિલવાડ કોઇપણ પ્રજાના ઘરે ચોરી થાય તો રાજ એ ચોરને પકડી પાડે અને ચોર ના પકડાય તો ચોરીની રકમ રાજ્યના ખજાનામાંથી એ વ્યક્તિને ભરપાઇ થાય ! આ નિયમને ભાવનગરના બધાં રાજવીઓ ચુસ્તપણે પાળતાં.
આ તો આઝાદી પહેલાંની વાત થઇ પણ હવે રજવાડાનું વિલિનીકરણ થઇ ગયેલું એટલે ભાવનગરનું રાજ પણ રહ્યું નહોતું.છેલ્લા મહારાજ કૃષ્ણકુમારસિંહજી અગાઉ જણાવ્યું તેમ મદ્રાસના ગવર્નર હતાં.
એમાં એક દિવસ ભાવનગરના કોઇ ગામડાંનો એક ખેડુત ભાવનગર દરબારમાં આવ્યો.
“મહારાજા ક્યાં ?”,
“કેમ ?”
“મારા બળદ કોક ચોરી ગ્યું છે.”
“મહારાજ તો અહિં નથી. મદ્રાસ છે.”
ગામડાં ગામના આ ખેડુતને ત્યારની ઘણી પ્રજાની જેમ ખબર નહોતી કે આઝાદી મળી એને તો સાત વર્ષ થઇ ગયાં છે અને હવે ભાવનગર રજવાડું રહ્યું નથી.એ બિચારો પોતાની નાનકડી દુનિયામાં જીવતો હોય એને રાજકીય ઉથલ-પાથલો હારે શી લેવા દેવા ? અને ત્યારે ભારતના ઘણા વિસ્તારોમાં સંદેશાવ્યવહારની આધુનિકતા પણ નહોતી.
ખેડુત મદ્રાસ ગયો.મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળ્યો. “બાપુ ! ભાવનગરથી હાલ્યો આવું છું.”, “આવો બાપ. કેમ જાત્રા કરવા આવ્યા છો ?”, “ના બાપુ. જાત્રા તો અમારા નસીબમાં ક્યાંથી હોય ?”, “તો ?”
“બાપુ મારા બળદ કો’ક ચોરી ગ્યું…”
“ઓહ ! કેમ કરતાં ભાઇ ?”
“બાપુ, બપોરની વેળાં ખેતરે સાંતી છોડીને ભાતું ખાઇને વડલાંની છાયામાં ઘડીક લાંબો વાંસો કીધો ને ઇ તકનો લાભ લઇ કો’ક ઝપટ બોલાવી ગ્યું. બેય બળદોને પડખેના બાવળીયાની છાંયે બાંધેલા.”
“એમ….સુતા’તા ને લઇ ગયાં ભાઇ ?”, “હા બાપુ. સુતો’તો ને લઇ ગ્યાં.”
“વાંધો નઇ ભાઇ…તુ તો સુતો’તો ને લઇ ગયાં, આ અમે તો જાગતા’તાં ને બધું લઇ ગયાં !! લે ભાઇ આ પાંચ હજાર. નવી જોડ વસાવી લેજે ને બીજું સાંતી-લાકડું પણ લઇ લેજે.”
અને એ જ ક્ષણે અત્યારના જમાનામાં દસ લાખથીય વધુ થાય એવી પાંચ હજારની રકમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપી દીધી.
રાજા તો પરમેશ્વરનો અંશ હોય છે. આ રાજવી પણ સાક્ષાત્ પરનેશ્વરનો જ અવતાર હતો.શત્ શત્ વંદન !