હીરા ની ચોરી થી તૂટી ગઈ હતી દોસ્તી, સાઉદી અરેબિયાએ ફરી આ દેશ સાથે જોડ્યા સંબંધો

સાઉદી અરેબિયાએ મંગળવારે થાઇલેન્ડ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો ફરીથી શરૂ કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે, આ દેશોએ ઝવેરાત ચોરીની સનસનાટીપૂર્ણ ઘટના પછી ઉભી થયેલી ત્રણ દાયકા જૂની અવિશ્વાસ અને દુશ્મનાવટનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.

થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચાની સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન બંને દેશોએ આ નિર્ણય લીધો હતો. વર્ષ 1989માં થયેલા ઘટનાક્રમને લઈને સંબંધોમાં ખટાશ આવ્યા બાદ બંને દેશો વચ્ચે આ સર્વોચ્ચ સ્તરની બેઠક છે. આ ચોરીની ઘટનાને કારણે સાઉદી અરેબિયાએ થાઇલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોનું સ્તર ઘટાડ્યું હતું. આ ચોરીને કારણે અનેક રહસ્યમય હત્યાઓ થઈ હતી. આને ‘બ્લુ ડાયમંડ’ કેસ તરીકે ઓળખવામાં આવે છે.

શાહી મહેલમાં થયેલી બેઠકો બાદ સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સીએ મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પ્રયુત સાથે વાતચીત કરી હતી અને ચોરીને ભૂલીને દેશો વચ્ચે આર્થિક, સુરક્ષા અને રાજકીય સંબંધો મજબૂત કરવા સંમત થયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સથી લઈને પર્યટન અને આતિથ્ય-સત્કાર જેવા વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણ માટેના માર્ગો શોધશે. દરમિયાન સાઉદી અરેબિયન એરલાઇન્સે જણાવ્યું હતું કે તે મે મહિનામાં રિયાધથી બેંગકોકની સીધી ફ્લાઇટ શરૂ કરશે.

Scroll to Top