કોરોનાકાળમાં એકસાથે 555 થી વધુ વિદ્યાર્થીના કોચિંગ ક્લાસ આપતા પકડાયા સંચાલક – કહ્યું વાલીઓની મંજૂરી લીધી છે, બાળકને કંઈ થાય તો ફાંસી આપજો

જસદણ (Jasdan) ની આલ્ફા હોસ્ટેલમાં સરકારની ગાઈડલાઈન્સનો ઉલાળ્યો થયો હોય તેમ તંત્રને અવગણી સંચાલક દ્વારા ધો. 5ના 555થી વધુ વિદ્યાર્થીના કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ અંગેની બાતમી મળતાં જસદણ મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં હોસ્ટેલ (hostel) ના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પોલીસે પકડી પાડ્યો હતો તેમજ તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો જસદણ પોલીસ (Jasdan Police) માં મામલતદાર દ્વારા નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે આજે વધુ એક નવો ખુલાસો એ થયો કે સંચાલક વિદ્યાર્થી દીઠ રૂપિયા 50000 જેટલી ફી ઉઘરાવતો હતો અને દરોડા સમયે સંચાલકે હવાતિયા મારતા કહ્યું કે બાળકને કઈ થાય તો મને ફાંસી આપી દેજો. રાજકોટ જિલ્લામાં ખાનગીમાં કેટલીક સ્કૂલો કોચિંગ ચલાવતી હોવાની અગાઉ પણ ફરિયાદો જિલ્લા તંત્ર સુધી પહોંચી હતી.

જસદણના ચિતલીયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાછડીમાં પ્રવેશ મેળવવા માંગતા ધો.5ના વિદ્યાર્થીઓને કોચિંગ અપાતું હતું. જો કે હાલમાં કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરેઆમ કોચિંગ ક્લાસ ચાલુ રાખવામાં આવી રહ્યા હતા. જો કે કોચિંગ ક્લાસ પર મામલતદાની ટીમે પોલીસને સાથે રાખી દરોડો પાડતા સંચાલક જ સુખ સંખારવાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અત્યારે તેમના ઘરે જશે અને તેમને કઈ થશે તો તમે જવાબદારી લેશો? બાળકો અહીં જ સુરક્ષિત છે. તમામ વાલીઓની બાયંધરી લીધી છે.

આ કોચિંગ ક્લાસમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાનાં બાળકો હોસ્ટેલમાં હતાં. તમામ વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાંથી મામલતદારે છોડાવ્યા હતા અને દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જો કે એક સાથે 500થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હતા અને તેનાથી કોરોના સંક્રમણ તો નથી ફેલાયું ને? તેની તપાસણી માટે મેડીકલ ટીમને આરોગ્ય ચકાસણી માટે બોલાવાયા હતા. તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરાયુ હતુ.

જોકે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ છાત્રમાં કોરોના લક્ષણો દેખાયા ન હતા. અને તમામ વિદ્યાર્થીઓને તેમના વતન પહોંચાડવા કડક સૂચના આપવામાં આવી હતી અને સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી અટક કર્યા બાદ રૂપિયા 10000ના જામીન પર છુટકારો અપાયો હતો. ક્લાસના સંચાલક દ્વારા 500થી વધુ વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું કેટલું મોંઘું પડી શકે છે એ અંગે વિચાર પણ આવ્યો નહીં હોય, બાળકોના જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની? તેવા સવાલો લોકોમાં ઊઠ્યા છે.

આ મામલે વાલીઓ પણ બેજવાબદાર ગણાય છે, તેમણે કોરોના મહામારીમાં પોતાનાં સંતાનોના જીવને જોખમમાં મૂકી કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા એવી પણ ચર્ચા લોકોમાં ઊઠી રહી છે.

Scroll to Top