રેલવે ભરતી બોર્ડની નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી પરીક્ષા 2021ની પરીક્ષા બે તબક્કામાં યોજવાને લઇ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. વિરોધ પદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે પરીક્ષાનો બીજો તબક્કો એ વિદ્યાર્થીઓ માટે અન્યાયી છે જેઓ પ્રથમ તબક્કામાં પાસ થયા છે. જેનું પરિણામ 15 જાન્યુઆરીએ આવી ગયું છે. આ દરમિયાન RRB-NTPC Examના પરિણામ વિરૂદ્ધ બિહાર અને UPમાં હિંસક વિરોધ ચાલી રહ્યો છે.
બિહારની રાજધાની પટના, નાલંદા, બક્સર અને આરા સહિત ઘણા વિસ્તારોમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગયામાં ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ત્યાં જ આ હિંસક પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ પથ્થરમારો પણ કર્યો હતો.
જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ સરકારે પરીક્ષાઓ રદ કરી છે અને આંદોલનકારી વિદ્યાર્થીઓની ફરિયાદના નિરાકરણ માટે એક સમિતિની રચના પણ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને કાયદો પોતાના હાથમાં ન લેવા અપીલ કરી છે.
બીજી તરફ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 2019માં આ પરીક્ષા અંગે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં માત્ર એક જ પરીક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સરકાર પર તેમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન જહાનાબાદ શહેરમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર પીએમ નરેન્દ્ર મોદીના પૂતળાને સળગાવ્યુ હતું.
વિદ્યાર્થીઓના આ હિંસક વિરોધના કારણે પૂર્વ મધ્ય રેલવેની 25થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેનો કેન્સલ અને રૂટ ડાયવર્ઝનના કારણે અનેક મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.