છેલ્લા ઘણાં સમયથી કોરોનાકાળમાં લોકો બેરોજગારીનો માર સહન કરી રહ્યાં છે તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે હવે સુમુલ ડેરીએ પણ દૂધનાં ભાવમાં બે રુપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતી કાલ એટલે સોમવારથી અમલમાં મુકાશે.
સુમુલ ડેરીનું દૂધનાં ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ હવે 48 રૂપિયા લિટરમાં જનતાને મળશે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતા પરિવહન ખર્ચમાં વધારો થયો છે જેના કારણે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લિટરે ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું છે કે, સુમુલ ડેરીનાં દૂધમાં 20 મી જૂનથી એક લિટરનાં ભાવમાં બે રૂપિયાનો વધારો કરાયો છે. લગભગ આ વધારો 18 મહિના બાદ એટલે કે છેલ્લી ડિસેમ્બર 19 માં દૂધનાં ભાવમાં વધારો કરાયો હતો. ભાવ વધારાનું મુખ્ય કારણ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધારો થયો છે. ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે તેના ભાવમાં વધારો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ 18 જૂનના પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સતત વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં શુક્રવારે પેટ્રોલમાં 23 થી 27 પૈસા અને ડીઝલમાં 27 થી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.69 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી છે.