સુરતઃ શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નંદુબા મેડિકલ સેન્ટર દ્વારા 25માં વર્ષે વનવાસીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયમંડ કિંગના હુલામણા નામથી ઓળખાતા ગોવિંદકાકા ધોળકીયા 50 કારના કાફલા સાથે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યાં હતાં. વસ્ત્ર વિતરણની સાથે યોજાયેલા મેડિકલ કેમ્પમાં બે હજારથી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રની બોર્ડર પર મેગા કેમ્પ
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ડાંગ જિલ્લાના ગામડામાં યોજાયેલા મેગા મેડિકલ કેમ્પમાં નળકચૌંડથી 7 કિલોમીટર મહારાષ્ટ્રની બોર્ડર આવેલી છે. નળકચૌંડ ખાતેના કેમ્પમાં આસપાસના 18 ગામના દર્દીઓએ આવ્યાં હતાં. જ્યારે બરમ્યાવાડ ગામેથી એક કિલોમીટર દૂર મહારાષ્ટ્રની બોર્ડર આવેલી છે. બરમ્યાવાડ કેમ્પમાં આસપાસના 14 ગામના લોકોએ સારવાર કરાવી હતી.
બે હજારથી વધુ દર્દીઓની કરાઈ સારવાર
ગોવિંદભાઈ ધોળકીયા દ્વારા છેલ્લા 25 વર્ષથી વનવાસીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ડાંગ જિલ્લાના અંતરિયાળ કહી શકાય અને એક દોકલ વાહન પણ જૂજ જોવા મળે તેવા નળકચૌંડ અને બરમ્યાવાડ ગામમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના ગામનો લોકો પહોંચ્યા હતાં. લગભગ 2 હજારથી વધુ દર્દીઓએ મેડિકલ તપાસ કરાવી દવાઓ મેળવી હતી.
કતારગામ-વેડ સહિતના તબીબોએ આપી સેવા
મેગા મેડિકલ કેમ્પમાં કતારગામ-વેડ રોડ ડોક્ટર એસોસિએશન સહિતના અંદાજે 100થી વધુ તબીબોએ સેવા આપી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, મોટાભાગે ચામડી, હાડકા અને કફ સહિતના દર્દીઓ વધુ જોવા મળ્યાં હતાં. જેમને યોગ્ય દવાઓ આપવામાં આવી છે. જે દર્દીઓને મોટી બિમારીઓ છે તેમને સુરત ખાતે આવવાં જણાવાયું છે.
મેડિકલ કેમ્પની સાથે કરાયું વસ્ત્રોનું વિતરણ
ગોવિંદભાઈ ધોળકીયા સહિતના કંપનીના કર્મચારીઓ અને આમંત્રિતો અશોક કાનુગો સહિતનાએ મેડિકલ કેમ્પમાં આવેલા તમામ લોકોને વસ્ત્રનું વિતરણ કર્યું હતું. જેથી મેડિકલ કેમ્પના સારવાર લેવાની સાથે વસ્ત્રો પણ આપવામાં આવ્યાં હતાં.
નવા કપડા મળતાં દાદાને બતાવવા દોડી પૌત્રી
નળકચૌંડ કેમ્પમાં વસ્ત્ર વિતરણ દરમિયાન બરડા ગામની વતની અને ચોથા ધોરણમાં ભણતી સીતા રામદાસ ધુમને નવા કપડાં મળતાં તેણી દોડીને પોતાના દાદાજીને બતાવવાં ગઈ હતી. દાદા-પૌત્રીના ચહેરા પર અજબની ખુશી જોવા મળતી હતી. તેમને જ્યારે પુછાયું ત્યારે સીતાના દાદા કાળુ લક્ષુ ધુમએ જણાવ્યું હતું કે, સીતાના માતા પિતા મૂકબધિર છે. અને આ છોકરીને છેલ્લે ક્યારે નવા કપડાં મળ્યાં હશે તે પણ યાદ નથી.
અમે સેવાકાર્યોમાં નિમિત બન્યાઃ ગોવિંદભાઈ
છેલ્લા 25 વર્ષથી મેડિકલ કેમ્પ કરનાર ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, 25 વર્ષમાં એક પેઢી ફરી જતી હોય છે. ત્યારે છેલ્લા અઢી દાયકાથી ચાલતાં આ સેવાકીય કાર્યોમાં તબીબોથી લઈને દરેક લોકો સાથ સહકાર આપે છે. જેના કારણે આ સેવાકીય કાર્યો થઈ રહ્યાં છે. 100 જેટલા ડોક્ટર એક સાથે એક હોસ્પિટલમાં સેવા આપતા હોય તેવું ક્યાંય નથી. પરંતુ આ દ્રશ્ય કેમ્પમાં જોવા મળે છે. અમે તો માત્ર નિમિત છે. ઈશ્વરની કૃપાથી આ શક્ય બનતું હોવાનું વધુમાં તેમણે જણાવ્યું હતું