સુરતના સરથાણા જકાતનાકા પાસેની તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગમાં ૨૧ જેટલાં વિદ્યાર્થીઓ જીવતા સળગી ગયાં, જેમાંથી અમુકે ટેરેસના ચોથા માળેથી નીચે ભૂસકા માર્યા અને નસીબ નબળું સાબિત થયું ને નીચે કોઈ ઝીલનાર ના મળ્યું. સુરતની આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં હાહાકાર મચાવી દીધો છે.
આ આગને લઈને અનેક પાસાંઓ સામે આવ્યાં છે. ‘કોનો વાંક?’ની જાણે રમત શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. બિલ્ડર, એપાર્ટમેન્ટનો માલિક, કોચિંગ ક્લાસનો માલિક, ફાયરબ્રિગેડ, મ્યુનિસિપાલીટીથી લઈને ધારાસભા-સચિવાલય સુધી બધાંને આમાંથી બાકાત રાખવામાં આવ્યાં નથી. ખરું જોતા વાંક ખરેખર બધાનો વધતેઓછે અંશે હતો જ. એ પણ યાદ રાખ્યા જેવું છે કે, હવે ગમે તે કરો; એતો જેણે પેટનાં જણ્યાં ખોયા હશે એની માથે વીતી હશે – જે ખરેખર વીતવાની હશે!
સોશિયલ મીડિયા પર પ્રથમ કેતન જોરવાડીયા નામના એક યુવકના નામના ન્યુઝ ફરી રહ્યા હતા. જેમણે સળગતી બિલ્ડીંગમાં અંદર જઈને બે બાળકોને સલામત લાવી આપ્યાં હતાં. અમુક વળી વધારે આંકડો કહે છે. ખરેખર શું છે તે વિશે હવે કન્ફ્યુઝન પેદા થાય છે. જો કે, જેણે મોબાઇલ લઇને રેકોર્ડિંગ કરવાને બદલે સળગતી આગમાં જઈને બાળકોને જીવના જોખમે બહાર કાઢ્યાં હશે તેઓ ખરેખર વંદનને પાત્ર છે.
ક્લાસીસનો માલિક ભાર્ગવ બુટાણી જ હતો બચાવમાં?
કરૂણાંતિકાને વખત વીત્યો તેમ-તેમ અવનવી ખબરો સામે આવી. પોલિસતંત્ર દ્વારા ક્લાસીસના માલિક એવા ભાર્ગવ બુટાણીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. જેમની સામે એવો પણ આરોપ છે કે, તેના કોચિંગ ક્લાસીસ ગેરકાયદેસર છે.
અલબત્ત, વળી પાછું એ પણ જાણવા મળ્યું, કે ભાર્ગવ બુટાણીએ પોતે જીવ જોખમમાં મૂકીને પોતાને ત્યાં કોચિંગ લેતા બાળકોનો જીવ બચાવ્યો હતો. આ વાતના પુરાવા તરીકે હેમખેમ બચેલી એક વિદ્યાર્થીનીનો અને તેમના પિતાનો વીડિયો સામે આવ્યો છે. પ્રેસને તેઓ કહે છે કે, ભાર્ગવ સરે જ મારી છોકરીને બચાવી છે, બાળકોને બચાવ્યાં છે.
વિદ્યાર્થીનીના કહેવાનુસાર, જ્યારે ચારેબાજુ જ્વાળાઓ છવાઈ ગઈ હતી અને નીચે ઉતરવાનો રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો ત્યારે વિદ્યાર્થીઓ ઉપરના ટેરેસ પરથી ભૂસકા મારવા માંડ્યા. હું ને મારી ફ્રેન્ડ પણ આવું જ કરવાના હતા. ભાર્ગવ સરે ફ અમને હેમખેમ નીચે ઉતાર્યા અને પછી તેઓ ઉતર્યા. એ ના હોત તો અમે બચી ના શક્યાં હોત!
ઉત્તમ કાર્ય તો કહેવાય. સોશિયલ મીડિયા પર અમુક લોકો આ બાબતે ભાર્ગવને હિરો માની પણ બેઠાં છે. સ્થાનિક એસીપી સહિત પોલિસે પણ કહ્યું છે કે, ભાર્ગવ બુટાણીએ કહેલું કે તેણે બાળકોના જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો.
પણ એ બહાને ગેરકાયદેસર ક્લાસીસ ચલાવવાના, ફાયર સેફ્ટીની સુવિધાના અપૂરતા અભાવના તેમના વાંકને પણ કેમ ચલાવી લેવાય? – એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે.
લોકો વિવિધ તર્કો કરી રહ્યાં છે. આનો વાંક – તેનો વાંક પર બહેસ ચાલી રહી છે. ઠીક છે, બે દિ’ ચાલશે! ટૂંકમાં કહેવું હોય તો એટલું કે, જવાબદારી બધાંની છે – જે ઉપર ગણાવ્યાં તેઓની. પણ અદા કરવામાં કાચું કપાયું. દૂધમલીયાઓ પાછા આવવાના? એ તો ફરીવાર કહેવું પડે કે, જેના પર વીતી હશે એની આંતરડીઓ જ ઉહકારા ખમતી હશે!
॥ ૐ શાંતિ ૐ ॥