સુરતઃ હાલ ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે ત્યારે રત્નકલાકારો આપઘાત કરવાની ઘટનામાં એક બિલ્ડરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. કતારગામ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનની સામે પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી પોતાની ઓફિસમાં જ બિલ્ડરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દેવું વધી જતાં આપઘાત કર્યાનું અનુમાન
કતારગામ વિસ્તારમાં આવેલા આંબા તલાવડી રામકથા રોડ પર આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા નાગજીભાઈ પરષોતમભાઈ ધામેલીયા બિલ્ડીંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. તેઓએ આજે ઘરેથી નીકળી કતારગામ વિસ્તારમાં ફાયર સ્ટેશન સામેની પટેલ પાર્ક કોમ્પલેક્સમાં આવેલી નેસ્ટ બિલ્ડકોન અને પાર્થ કન્ટ્રક્શન નામની ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક તબક્કે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે,દેવું વધી જતાં તેમણે આ પગલું ભર્યું હોય શકે છે.
સુસાઈડ નોટ મળી આવી
બિલ્ડર નાગજીભાઈ ધામેલીયાએ આપઘાત અગાઉ સુસાઈડ નોટ લખી હતી.જે પોલીસને હાથ લાગી છે. પરંતુ તેમાં તેમણે આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર હતું અને શું ખુલાસા કર્યા છે તે હજુ પોલીસે જાહેર કર્યું હતું.
પરિવારના સભ્યો શોકમાં ગરક
નાગજીભાઈએ સુસાઈડ કરી લેતા તેના પરિવારજનો પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. નાગજીભાઈ સુસાઈડ કરે તે વાતને અમુક તેના નજીકના લોકો માની શકતા નથી.
અગાઉ પોલીસે નહોતી જાહેર કરી સુસાઈડ નોટ
મહત્વપૂર્ણ છે કે, અગાઉ વરાછા વિસ્તારમાં સામૂહિક આપઘાતમાં પોલીસે સુસાઈડ નોટ જાહેર કરી નહોતી. પતિ, પત્ની અને બાળકે કુદીને આપઘાત કર્યો તે પ્રકરણમાં 32 પાનાની મળેલી સુસાઈડ નોટ પોલીસે જાહેર કરી નહોતી. ત્યારે સવાલ એ છે કે, નાગજીભાઈની સુસાઈડ નોટ પોલીસ જાહેર કરશે કે કેમ?