સુરતમાં પ્રથમ પત્નીને મળવા જવાની વાત કરતાં રોષે ભરાયેલી મહિલાએ તેના પતિ પર છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. લાકડી વડે પતિના બંને ઘૂંટણ ભાંગી નાખ્યા હતા. બચાવમાં પતિનો મિત્ર પણ ઘાયલ થયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત પતિને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લિંબાયત પોલીસે શનિવારે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર લિંબાયત રાવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અકીલ મણિયારનો તેની પત્ની શબનમ સાથે વિવાદ ચાલતો હતો. ખરેખરમાં અકીલે શબનમ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની શબાના તેમના બે પુત્રો અને ચાર પુત્રીઓ સાથે ભથેનામાં રહેતી હતી.
બીજા લગ્ન બાદ પણ અકીલ તેની પત્ની અને બાળકોને અવારનવાર મળવા જતો હતો. ગત 29 નવેમ્બરે અકીલ શબાનાને મળવા જવા માંગતો હતો. સવારે સાડા દસ વાગે તે તેના મિત્ર સાદિક શેખ સાથે ઘરે બેઠો હતો. એ જ વખતે શબનમ બહારથી પાછી આવી હતી.
તેણે અકીલને પૂછ્યું કે તે કામ પર કેમ નથી ગયો. અકીલે જવાબ આપ્યો કે આજે તે શબાનાને મળવા જશે. આ બાબતે શબનમ અને અકીલ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. શબનમે છરી ઉપાડી અકીલને કોણી અને ઘૂંટણ પર મારી હતી. આ જોઈને જ્યારે સાદીકે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો તો તેણે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી. છરી વડે તેના હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન શબનમે લાકડી લઇઅકીલના બંને ઘૂંટણ પર એક પછી એક અનેક વાર માર્યા હતા.
અકીલ લોહીલુહાણ થઈને નીચે પડી ગયો. તે ઊભા રહેવાની સ્થિતિમાં નહોતો. આ જોઈ સાદિક ત્યાંથી ભાગી ગયો. પછી શબનમે જ એમ્બ્યુલન્સ બોલાવી અને અકીલને સ્મીર હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં સારવાર દરમિયાન અકીલનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ પગમાં ઈજાઓ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે લિંબાયત પોલીસે આ સંદર્ભે તપાસ કરી અને ત્યારબાદ સાદિક શેખની એફઆઈઆરના આધારે કેસ નોંધી શબનમની ધરપકડ કરી.