સુરત શહેર એક દંપતિ ડ્રગ્સ અને ગાંજાની ગોળીઓ વેચવાના આરોપમાં ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. તેની સાથે હવે એક એવા બીજા સમાચાર સામે આવ્યા છે. સુરતના માંગરોળના કોસંબામાંથી પોલીસ દ્વારા ગાંજાની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ કરતા માતબર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા માંગરોળના કોસંબામાંથી 800 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગાંજાનો બજાર ભાવ પોલીસના મતે 80 લાખ રૂપિયા જેટલો ગણવામાં આવી રહ્યો છે. સુરત સહિત ગુજરાતમાં નશાના કાળા કોરાબારના વેપલાનો વધુ એકવાર પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જ્યારે યુવાધન નશાના રવાડે ચઢી રહ્યુ છે ત્યારે નશાના સોદાગરો કાળી કમાણી થકી રૂપિયા કમાણી કરતા જોવા મળી રહ્યા છે. નશીલા પદાર્થોની માંગ વધતા તેની હેરફેર માટે અવનવી ટેકનિક શોધાઈ રહી છે. સુરતમાં ઓરિસ્સાથી આવતી ટ્રેન ગાંજાની હેરફેર માટે હોટફેવરિટ માધ્યમ માનવામાં આવે છે પરંતુ તેમાં અવારનવાર લાખો રૂપિયાનો ગાંજો પણ ઝડપાઈ રહ્યો છે.
આ દરમિયાન આજે સુરત જિલ્લાના માંગરોળના કોસંબા પોલીસની હદમાં મહારાષ્ટ્ર પાસિંગનો એક ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ ટ્રક ચેક કરતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ ટ્રકમાં એક ચોરખાનું બનાવી અને તેમાં ગાંજાની ગુણો ભરી અને સંતાડવામાં આવ્યું હતું. પોલીસ તપાસ કરતા આ ચોરખાનામાંથી કુલ 800 કિલો ગાંજો મળી આવતા હાહાકાર સર્જાયો છે.
તેની સાથે આ ગાંજા સાથે પોલીસ દ્વારા ટેમ્પો ચાલકની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, બોર્ડર પરથી કેવી રીતે આ પ્રકારે ગાંજા જેવા નશીલા પદાર્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે. આ ગાંજો કોણે મંગાવ્યો, ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે તો વધુ તપાસમાં જ સામે આવશે.