સુરત મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી, બ્રિજનો સરવે હાથ ધર્યો

સુરતઃ શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થઇ રહી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા બ્રીજનો પ્રીમોન્સુન હાઈટેક સર્વે કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રીજના પીલર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી. જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ બાદ રીપેરીંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે.

મોરબીમાં ઝૂલતા બ્રીજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નોટીફિકેશન બહાર પાડ્યું હતું કે તમારા શહેરના બ્રીજની મરામત અને જાણવણી માટે સર્વે કરાવવો જરૂરી છે. જેથી સુરતમાં પણ 2023થી પ્રી મોનસુન અને પોસ્ટ મોન્સૂન એમ બે વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ત્રણ કન્સલ્ટન્સને તમામ બ્રીજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે. જેમાંથી 117 બ્રીજનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ ચાર કેટેગરી બનાવવામાં આવેલી હતી. એક નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂર નથી. બીજી કેટેગરીમાં થોડી જ રીપેરીંગની જરૂર હોય. ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય છે જેનું ફર્ધર ઇનવેસ્ટીગેશન કરાવવુ પડે. ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવીને જાણવણી કરવાનું થાય. જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રીપેરીંગ કરાવવું જરૂરી છે.

સુરત શહેરમાં 124 માંથી સાત બ્રિજ એકસેસિબલ નથી તેથી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. 60 બ્રિજ એવા છે જેને કોઈ મરામતની જરૂર નથી. જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રીપેરીંગની જરૂર હોય તેવા 19 બ્રિજ છે. જ્યારે ત્રીજી કેટેગરીમાં 30 બ્રિજનો સમાવેશ થાય છે. આ સાથે એક પણ બ્રિજ એવો નથી કે જેને બંધ કરીને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવો પડે. કેટેગરી ત્રણમાં જે બ્રિજનો સમાવેશ થયો છે તેમાંથી ચાર બ્રિજ હાલ રીપેરીંગ હેઠળ છે. 10 બ્રિજના રીપેરીંગ માટેના ટેન્ડર આવી ગયા છે. બાકીના જે બ્રિજ છે તે અલગ અલગ સર્વે હેઠળ કામગીરી ચાલી રહી છે. આ વર્ષે પ્રી મોનસુન બ્રિજનો સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રીપેરીંગ હાથ ધરાશે.

Scroll to Top