નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને એક મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની એક ટીમ દ્વારા સુરતના દંપતી દર્શન ગોલવાલા અને તેની પત્ની દીક્ષિતાની ધરપકડ કરી અને તેમની પાસેથી ઓછામાં ઓછું 30 અલગ-અલગ પ્રકારનું હાઇ-એન્ડ નાર્કોટિક ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું છે.
આ કામગીરી શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાથે રાખીને કરવામાં આવી હતી.
તેની સાથે જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાં ઈમ્પોર્ટેડ હાઇબ્રિડ ગાંજો, હશીશ, એલએસડી, કેપ્સ્યુલ્સ, મેફેડ્રોન અને અન્ય વેરાઈટીઝ સામેલ હતું. સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, દંપતી પાસેથી લગભગ એક કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. દેશની ટોચની એન્ટી-નાર્કોટિક્સ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સની ચોક્કસ કિંમત હજુ સુધી જાહેર કરાઈ નથી.
પોલીસના સૂત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, ડ્રગ્સના પ્રકારો અને તેના જથ્થાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ જપ્તીની કુલ કિંમત કરોડોમાં હોઈ શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બંને આરોપીઓ અંદાજે 30 વર્ષના છે. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના જુદા-જુદા સ્થળોએથી આ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. જપ્ત કરેલા ઉત્પાદનોને શહેર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે જ્યારે તેના નમૂના દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ચકાસવા માટે મોકલી દેવામાં આવ્યું છે.
જ્યારે સ્થાનિક અદાલતમાં રજૂ કર્યા બાદ આરોપીઓને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. તેમ છતાં તેમને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે. એસઓજીના એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે NCB ટીમને મદદ કરી રહ્યા હતા અને સત્તાવાર વિગતો એજન્સી દ્વારા જ જાહેર કરાશે.
અમારી પાસે જપ્તી અથવા ધરપકડની ચોક્કસ વિગતો રહેલી નથી. અનેક પ્રયત્ન કરવા છતાં ગુજરાત NCB ના ઉચ્ચ અધિકારીઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા. જેથી NCB કેસની પ્રાથમિક તપાસ વિશે વિગતો શેર કરે તેવી શક્યતા રહેલી છે.