કોના બાપની દિવાળીઃ સુરતના નગરસેવકોને પણ બખ્ખાં, વેતનમાં 350%નો વધારો

સુરત: ગુજરાતના ધારાસભ્યોના માનદ વેતનમાં 65 ટકા સુધીના વધારા બાદ હવે જાણે રાજ્યની સુધરાઈમાં પણ નગરસેવકોના પગારવધારાનો સિલસિલો શરૂ થયો છે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ સુરત મહાનગર પાલિકાના 116 નગરસેવકોના હયાત પગારમાં 350 ટકા સુધીનો તોતીંગ વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવી છે. જેના કારણે પાલિકાની તિજોરી પર વાર્ષિક રૂા.1.39 કરોડનો બોજ વધશે.

29 વોર્ડના 116 કોર્પોરેટરના પગારમાં વધારો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૬૩માં જન્મદિવસે રાજયની ૮ મહાનગરપાલિકાઓના નગરસેવકોને પગાર વધારાની ભેટ આપી હતી. સુરત મહાનગર પાલિકાના 29 વોર્ડના 116 કોર્પોરેટરોને માનદ વેતન પેટે રૂ.૩૦૦૦, મીટીંગ ભથ્થાના રૂ.૨૫૦ (એક માસમાં વધીને પાંચ મીટીંગ ભથ્થા મળે), ટેલીફોન ભથ્થાના રૂ.૭૫૦ અને સ્ટેશનરી ભથ્થાના રૂ.૫૦૦ સહિત માસિક એવરેજ ૫૦૦૦ જેવો પગાર ચુકવવામાં આવતો હતો.

વાર્ષિક રૂ.2.08 કરોડ જેટલો વેતનનો બોજો પડશે

116 કોર્પોરેટરોને ભથ્થા ચુકવવાનો માસિક ખર્ચ રૂ.5.80 લાખ જેવો આવતો હતો અને વાર્ષિક ખર્ચ રૂ.69.60 લાખ જેવો પામતો હતો. હવે તા.૧/૪/૨૦૧૮થી અમલમાં આવે તે રીતે કોર્પોરેટરોને માનદ વેતન પેટે રૂ.૧૨ હજાર, મીટીંગ ભથ્થાના રૂ.૫૦૦ (એક માસમાં વધુમાં વધુ પાંચ મીટીંગ ભથ્થા), ટેલીફોન ભથ્થા રૂ.૧૦૦૦ અને સ્ટેશનરી ભથ્થા પેટે રૂ.૧૫૦૦ ચુકવવામાં આવશે. આમ 116 કોર્પોરેટરોને વેતન અને ભથ્થા ચુકવણીનો માસિક ખર્ચ હવે રૂ.17.40 લાખ જેવો થશે અને વાર્ષિક રૂ.2.08 કરોડ જેવો થવા પામે છે.

વાર્ષિક 1.39 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડયો

કોર્પોરેટરોના પગાર વધારાના કારણે સુરતવાસીઓ પર વાર્ષિક 1.39 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડયો છે. આટલું જ નહીં પગાર વધારો ગત ૧લી એપ્રિલથી અમલમાં લાવી દેવામાં આવ્યો હોય તમામ 116 કોર્પોરેટરોને આશરે ૫૦,૦૦૦ જેવું એરીયર્સ મળશે એટલે મહાપાલિકાની તિજોરી પર આશરે 58 લાખ રૂપિયાનો બોજો વધશે.

સમયોચીત માનદવેતન વધ્યું: મેયર

સુરત મહાનગરપાલિકાના મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, નગરસેવકોને સમયોચીત માનદવેતનમાં વધારો થયો છે. આ કોઈ પગાર વધારો નથી. પરંતુ સમય પ્રમાણે ભથ્થામાં વધારો થયો છે. મિટીંગ ભથ્થાથી લઈને દરેક ભથ્થા વધ્યાં છે. જો નગરસેવક એ પ્રમાણે લોકોના પ્રશ્નો માટે મળતી મિટીંગ, કાર્ય વગેરે યોગ્ય રીતે કરશે તો ભથ્થાં મળશે.

નૈતિકતાથી કામ કરતાં લોકોનો વધારો યોગ્યઃ નેતા વિરોધપક્ષ, એસએમસી

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લ તોગડીયાએ જણાવ્યું હતું કે, બધા કોર્પોરેટર લાખોપતિ નથી. નૈતિકતાથી કામ કરનારા કોર્પોરેટરને અગાઉ મળતાં ભથ્થા પગાર અયોગ્ય હતા અને હવે મળશે તે યોગ્ય હશે. નૈતિકતાથી કામ કરનારે પગાર વધારો લેવો જોઈએ અને હું પણ લઈશ.- પ્રફુલ્લ તોગડીયા-નેતા વિરોધ પક્ષ

પાર્ટીના નિર્ણય મુજબ કરીશઃ દિનેશ કાછડીયા

કોંગ્રેસના અગ્રણી નેતા અને કોર્પોરેટર દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે સમય પ્રમાણે મોંઘવારી સામે અયોગ્ય પગાર અને ભથ્થાં હતાં. તેમાં વધારો થયો તે યોગ્ય છે. મારા પગાર અંગે પાર્ટી જે નિર્ણય લેશે તેની સાથે સહમત રહીશ.

માનદવેતન લઈશું: કોર્પોરેટર

કોર્પોરેટરના પગાર વધારા વિષે અજાણ હોવાનું કહેતા કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસૂરીયાએ જણાવ્યું હતું કે, મળવા પાત્ર વેતન અને ભથ્થા હું લઈશ

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here