સુરતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને હોબાળો, DGVCLનો ખુલાસો

સુરતઃ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વીજ વિભાગ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા બાદ સુરતમાં પણ વિરોધના સુર ઊઠ્યા હતા. સુરતના પીપલોદના આદર્શ નગરના રહેવાસીઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બિલ વધારે આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે આ બાબતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી યોગેશ ચૌધરી દ્વારા કેટલાક ખુલાસ આવો કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આદર્શ નગરના જે કિસ્સાઓ સામે આવ્યા છે તેમાંથી કેટલાક કસ્ટમરને આઇડેન્ટિફાઇ કરવામાં આવ્યા છે. ગત વર્ષે ઉનાળાના સમયમાં અને શિયાળાના સમયમાં જૂના મીટરમાં તેમનો વીજ વપરાશ અને ચાલુ વર્ષે જુના તેમજ નવા મીટરમાં તેમનો વીજ વપરાશ અને તેની વિગતો મેળવવામાં આવી હતી. આ વિગતોમાં કોઈ પણ પ્રકારની વિસંગતતાઓ નથી. જોકે પ્રતિદિન વીજ વપરાશ કસ્ટમરને જાણવા મળતું હોવાના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે. કસ્ટમર એક સાથે બે મહિનાનો 6,000 બિલ ભરવા માટે તૈયાર છે પરંતુ જ્યારે તેનો પ્રતિદિન હિસાબ કરવામાં આવે તો 100 રૂપિયા થાય છે અને આ 100 પ્રતિદિનના વપરાશના લોકોને મોંઘા દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલ મહિનાથી કરવામાં આવ્યું છે અને એક મહિનામાં 10,000 મીટર ચેન્જ કરવામાં આવ્યા છે. જે લોકો સ્માર્ટ મીટરને લઈને મૂંઝવણમાં છે તેમની મૂંઝવણ દૂર કરવામાં આવશે અને હાલ મીટર લગાવવાની કામગીરી બંધ નહીં થાય ચાલુ જ રહેશે પરંતુ સૌપ્રથમ હવે સરકારી કનેક્શનમાં જૂના મીટરના બદલે હવે નવા મીટર લગાવવાની કામગીરી થશે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં સૌ પ્રથમ તેનો ઉપયોગ dgvclની કોલોનીમાં રહેતા કર્મચારીઓને ત્યાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મીટરનું રીડિંગ અને જુના બિલોનો રેકોર્ડ મેચ કર્યા બાદ તેનું ટેસ્ટિંગ કર્યા પછી રહેણાંક વિસ્તારમાં આ મીટર લગાવવામાં આવ્યા છે. તો ઘણી વખત કિસ્સાઓ સામે આવ્યા હોય છે કે લોકોને પાંચ લાખ થી નવ લાખનું બિલ મળતું હોય છેમ આવી જે હ્યુમન એરર છે તેને સ્માર્ટ મીટરથી સોલ્વ કરી શકાય છે અને ઘણી વખત રીડર લોકો સાથે સાંઠ ગાંઠ રાખીને ઓછા યુનિટ દર્શાવી ઓછું બિલ બનાવે છે તો તે પણ હવે થઈ શકશે નહીં. કયા ફીડરમાંથી કેટલી વીજ ચોરી થાય છે તેની પણ માહિતી આ સ્માર્ટ મીટરની મદદથી મળી રહેશે.

Scroll to Top