સુરત શહેરમાં તાજેતરમાં કોરોનાના કારણે કડક નિયંત્રણો લગાવવામાં આવેલ છે. આ દરમિયાન સવારના અને સાંજના સમયે એક સાથે હીરાના કારખાના અને ઓફિસે જતા-આવતા સમયે ભારે ટ્રાફિક જોવા મળે છે. જ્યારે બીજી તરફ કેટલીક જગ્યાઓ પર ટ્રાફિકના નિયમનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું ન હોવાની ફરિયાદ સામે આવી હતી. જેના કારણે સુરત પોલીસ કમિશનરે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના અનુસાર હવેથી સુરત પોલીસમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવનાર કર્મચારીઓએ ઓન ડ્યૂટી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.
છેલ્લા થોડા દિવસોથી ટીઆરબી જવાનો અને એલ.આર. મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. જેના કારણે સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી પોતાની પાસે મોબાઈલ ફોન રાખી શકશે નહી. તેમને મોબાઈલ ફોન ઇન્ચાર્જને આપવો પડશે.
ટ્રાફિકના એસીપી અશોક ચૌહાણે કહ્યું છે કે, સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા આ અંગે સુચના આપવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, તમામ પોઇન્ટ ઇન્ચાર્જને પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના પડશે. આ દરમિયાન મોબાઈલ ફોન ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના રહેશે. જ્યારે ફરજનો સમય પૂર્ણ થતાં જ મોબાઈલ પરત અપાશે.